રાજકોટ
News of Thursday, 6th December 2018

કાલે સ્નેહ બંધન, દીકરી વ્હાલનો દરિયો અને છાબ દર્શન જેવા અંતર જાગૃતિ કરાવનારા કાર્યક્રમો સાથે ગૂંજી રહેશે મહોત્સવ

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે શ્રદ્ઘા-ભકિત-ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ

 રાજકોટઃ જેની ગૂંજ ન માત્ર રાજકોટમાં, ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં પરંતુ દેશના અનેક અનેક ક્ષેત્રોમાં ગૂંજી રહી છે એવો મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાલાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સર્વત્ર શ્રદ્ઘા અને ભકિત ભાવમાં સહુને ગળાડૂબ કરીને ભવ્યતા પૂર્વક ઉજવાઈ રહ્યો છે.

દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં આજીવન આજ્ઞાધિન બનીને સંયમ અંગીકાર કરવા પ્રયાણ કરી રહેલા મુમુક્ષુ બહેનોના આ દીક્ષા મહોત્સવના એક પછી એક યાદગાર અવસરોની સાથે છઠ્ઠા દિવસે ૭, સવારે ૯ કલાકે સ્નેહબંધનનો સંવેદનશીલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

સંસારનો ત્યાગ કરતાં પૂર્વે મુમુક્ષુ બહેનો અંતિમવાર પોતાના ભાઈની કલાઈ પર રક્ષાબંધન કરીને આત્મરક્ષાના કોલ આપશે તો બીજી તરફ ભાઈઓ પણ પોતાની વૈરાગી બેનને સ્નેહભીની ગીફ્ટ આપીને એમના નિષ્કંટક સંયમ જીવનની મંગલ ભાવના ભાવશે. એની સાથે જ ભાઈ-બહેનના પવિત્ર સ્નેહની સાક્ષી પૂરાવતાં સંવાદોની આપ લે કરતાં આ અનોખા કાર્યક્રમ સાથે પારસધામ ઘાટકોપરના ભાવિકો સંસાર અને લાગણીઓની વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અદભુત નાટિકા copy right પ્રસ્તુત કરશે.

 બપોરના ૩ કલાકે દીકરી વ્હાલનો દરિયો કહેતાં માતા-પિતા અને મુમુક્ષુઓ વચ્ચેના સંવેદનશીલ દ્રશ્યો સાથેનો આ હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાશે. કાળજાના કટકા જેવી વ્હાલી દીકરી જયારે માતા-પિતાનો સાથ સદાને માટે સંબંધોના બંધન તોડીને જઈ રહી છે ત્યારે તે માતા-પિતાના અંતરની વિયોગની વેદના અને દીકરીના કલ્યાણના હર્ષની અનુભૂતિને વાચા આપતાં આ કાર્યક્રમ સાથે છાબ દર્શનનો અવસર આયોજિત કરવામાં આવ્યો છે.    મુમુક્ષુ બહેનોના સ્વજનો આ અવસરે સંયમ જીવન નિર્વાહના ઉપકરણોની સજાવટ કરીને શણગારેલી છાબમાં મામેરા સ્વરૂપ અત્યંત અહોભાવપૂર્વક લાવીને અર્પણ કરશે. મધુર ગીત-સંગીતના માહોલ વચ્ચે શણગારેલી આ ઉપકરણોની છાબને દર્શન અર્થે મુકવામાં આવશે.

       અંતરધરા પર સંયમના બીજનું વાવેતર કરી દેવાના આવા અમૂલ્ય અવસરો જયારે રાજકોટના ભાવિકોને પ્રાપ્ત થયો છે ત્યારે એક પણ અવસરનો લાભ લેવાનું ન ચૂકતાં દરેક કાર્યક્રમમાં પધારી આત્મદ્રષ્ટિ પામવા સર્વ ભાવિકોને  શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે પધારવા સ્થાનકવાસી સંઘોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. (૪૦.૨)

(12:22 pm IST)