રાજકોટ
News of Friday, 6th November 2020

હિરાસર એરપોર્ટ : કલેકટરનું મેગા ડીમોલીશનઃ બે ડઝન દબાણો સાફ

ગારીડાના સર્વે નં. રરર, રર૩, રર૪ ની જમીન ઉપર ઉભેલા ૧૦ હજાર ચો.મી.ના શકિતસિમેન્ટ કારખાનું-શેડ-ઓરડીઓ-ઓફીસ- તોડી પડાયા : ૧૪ાા એકર જમીન ઉપર ખેતી વિષયક દબાણો પણ દૂર : કુલ ૧૭ એકર જમીન ખુલ્લી કરાવાઇ : કલેકટરને રીપોર્ટ

હિરાસર એરપોર્ટ ખાતે  સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલે મેગાડીમોલીશન હાથ ધરી બુલડોઝર ફેરવી દઇ કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

રાજકોટ, તા. ૬ :  રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ રાજકોટથી ર૦ કિ.મી. દુર હિરાસર એરપોર્ટની જમીન ઉપર જમીન સંપાદિત બાદ પણ ઉભા રહી ગયેલા શકિત સિમેન્ટના મોટા કારખાના સહિત કુલ બે ડઝન જેટલા દબાણો દૂર કરી કરોડોની આ ૧૭ એકર જમીન એરપોર્ટ સતાવાળાઓને સોંપી દેવાઇ હતી.

રાજકોટથી ર૦ કિ.મી. દૂર હિરાસર ગામ પાસે અંદાજે રર૦૦ એકર જગ્યામાં અદ્યતન ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ બની રહ્યું છે, આ જમીન માટે અનેક જમીનો-બાંધકામની જમીનો સંપાદિત કરાઇ હતી, તેનું વળતર પણ ચુકવાઇ ગયું હતું. આમ છતા આ દબાણો દૂર નહિ થતા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને કોન્ટ્રાકટર કંપની દિલીપ બીલ્ડકોને કલેકટર સમક્ષ તાજેતરની મીટીંગમાં આ પ્રશ્ન મુકયો હતો.

આ પછી કલેકટરની સુચના બાદ આજે સવારે ૧૦ વાગ્યાથી સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહિલ, તાલુકા મામલતદારશ્રી કથીરીયા અને તેમનો સ્ટાફ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે હિરાસર દોડી ગયો હતો. અને ગારીડા ગામના સર્વે નં. રરર, રર૩, રર૪ ની જમીન ઉપર ઉભુ થયેલ શકિત સિમેન્ટનું ૧૦ હજાર ચો.મી. જમીન ઉપર આવેલ કારખાનું, ફેકટરી, તેના બધા શેડ, ઓફીસ, ફેકટરીનું તમામ બાંધકામ, ગોડાઉન, એક ડઝન જેટલી ઓરડીઓ તોડી પડાયા હતા.

આ ઉપરાંત ૧૪.પ૦ એકર જમીનમાં ઉભા થઇ ગયેલા અન્ય ખેતી વિષયક દબાણો-પાળાઓ દૂર કરાયા હતા. કુલ ૧૭ એકટર જમીન ઉપરના બે ડઝનથી વધુ દબાણો દૂર કરી, જમીનનો કબજો લઇ આ જમીન એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાને સોંપી દેવાઇ હતી.

સજ્જડ પોલીસ બંદોબસ્ત ઉપરાંત વીજ ટીમો સાથે વીજ કનેકશનો પણ કાપી નખાયા હતા તમામ દબાણો બપોરે ર સુધીમાં દૂર કરી બુલડોઝર ફેરવી દઇ કલેકટર શ્રી રેમ્યા મોહનને રીપોર્ટ કરી દેવાયો હતો, દબાણ હટાવતી આ કામગીરીમાં તાલુકા મામલતદાર-પ્રાંત કચેરીના  શિરેસ્તેદાર હિતેન્દ્ર રૈયાણી, સર્કલ ઓફીસર-દેકીવાડીયા, પી.આઇ. મહેશવાળા, પીએસઆઇ- હેરભા તથા એરપોર્ટ ઓથોરીટીનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો.

હિરાસર-ગારીડામાં આ પહેલું મેગા ડીમોલીશન ઓપરેશન થયું છે, હવે અન્ય બાંધકામો કે જે એરપોર્ટને સંલગ્ન છે, તેનું કામકાજ ઝડપી બનશે, તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:11 pm IST)