રાજકોટ
News of Wednesday, 6th November 2019

બંને ટીમ ઉપર જીતનું પ્રેશર : પીચ નિહાળી ગેમપ્લાન નક્કી કરીશુ : મોહમ્મદુલ્લાહ

ભારતની ટીમને નબળી આંકતા નથી, બેટીંગલાઈન ખૂબ જ સારી : પ્રથમ મેચ જેમ જ પાર્ટનરશીપ પર ધ્યાન આપીશુ : ભારતને તેની જ ભૂમિ ઉપર હરાવવુ એ મોટી વાત

રાજકોટ, તા. ૬ : બાંગ્લાદેશની ટીમના કેપ્ટન મોહમ્મદુલ્લાહએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે હાલમાં બંને ટીમો ઉપર જીતનું પ્રેશર છે અને ભારતીય ટીમને નબળી આંકતા નથી. તેની બોલીંગલાઈનમાં ભલે યુવા ખેલાડીઓ હોય પરંતુ તેની બેટીંગ લાઈનઅપ ખૂબ જ સારી છે.

મોહમ્મદુલ્લાહે જણાવેલ કે અમે અમારી ટીમનો ગેમપ્લાન કાલે વિકેટ નિહાળ્યા બાદ નક્કી કરીશુ. ટોસ જીતશુ તો સૌપ્રથમ બેટીંગ કે બોલીંગનો નિર્ણય પણ આવતીકાલે જ નક્કી કરીશુ. હાલમાં રાજકોટની પીચ જોતા એવુ લાગી રહ્યુ છે કે ૧૭૦ રનની આસપાસ રન બનશે.

તેણે જણાવેલ કે અમારા માટે સુવર્ણ તક છે અને સીરીઝમાં અમે ૧-૦થી લીડ કરી રહ્યા છીએ. હાલમાં અમારી ટીમ ફુલ ફોર્મમાં છે અને અમારા સ્પીનરો પણ સારો દેખાવ કરી રહ્યા છે.

મોહમ્મદુલ્લાહે જણાવ્યુ કે અમારા માટે સૌથી મોટી એ વાત છે કે અમે સૌપ્રથમ વખત ભારતને તેની જ ભૂમિ ઉપર હરાવવામાં સફળ રહ્યા. અમે ભારતીય ટીમને નબળી આંકતા નથી. પ્રથમ મેચમાં અમારા બેટ્સમેનોએ જે રીતે પાર્ટનરશીપ કરી મેચ જીતાડ્યો હતો તેવી જ પાર્ટનરશીપ ઉપર અમે ધ્યાન આપીશુ. તસ્વીર : અશોક બગથરીયા

(3:26 pm IST)