રાજકોટ
News of Tuesday, 6th November 2018

આર્ટ ઓફ લિવિંગના દિવાળી કેમ્પમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળશે

ધ્યાન, યોગ, પ્રાણાયામ શિખવાડાશે વાસીદ ખાતે આયોજનઃ નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૬: આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પૂ. ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા યોગ વિદ્યાની સાથોસાથ તરૂણોમાં પડેલી સુશુષ્ત શકિતઓ બહાર લાવવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેના ભાગરૂપે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે અને સંસ્કારનું પણ સિંચન થાય તે માટે આગામી તા. ૧૦ થી ૧૪ દરમિયાન દિવાળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી કેમ્પના સંયોજક અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીના અનુયાયી ક્રિષ્ના કોટકના જણાવ્યા મુજબ મહી નદીના કિનારે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વાસદ ખાતે બનાવાયેલ શ્રી શ્રી ગુજરાત આશ્રમ ખાતે પાંચ દિવસીય આ દિવાળી કેમ્પમાં ધ્યાન, યોગ, પ્રાણાયમ અને સુદર્શન ક્રિયા રાખવામાં આવશે. જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા, લીડરશીપ કવોલીટી, કોમ્યુનીકેશન સ્કીલમાં વધારો થાય છે.

આશ્રમમાં રહેવાથી પોતાની સાથે બીજાની પણ જવાબદારી લેવાનો ગુણ બાળકોમાં વિકસે છે, સાથે સાથે જો બાળકોનો ગુસ્સો, તણાવ, ઇર્ષ્યા તેમજ શરમાણપણું હોય તો તે ઓછા થાય છે. આ દિવાળી કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે બાળકો વેકેશનની ભરપુર આનંદ ટુંક સમયમાં જ મેળવી શકે છે.

કેમ્પમાં ડ્રામા, આર્ટ એન્ડ ક્રાફટ, ટ્રેકીંગ, વિલેજ ટ્રીપ, કલ્ચર એકટીવીટી, થીમ શો, બલુન શો, ટેલેન્ટ શો જેવી દરેક પ્રવૃતિઓ કરાવવામાં આવશે.

નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે ૯૮રપ૬ પપપરર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૭.ર૧)

(3:31 pm IST)