રાજકોટ
News of Thursday, 6th October 2022

‘હિટ એન્‍ડ રન' : અજાણ્‍યા વાહને એકટીવાને ઠોકર મારતા મહેશભાઇ સોલંકીનું મોત

ચુનારાવાડ ચોક પાસે કારખાને મજુરી કામે જતી વખતે બનાવ : પાંચ બહેનના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદઃ અકસ્‍માત સર્જી ચાલક વાહન લઇ ભાગી ગયો

રાજકોટ,તા. ૬ : આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્કના ઢોળા પાસે ‘હિડ એન્‍ડ રન'ની ઘટનામાં અજાણ્‍યા વાહનના ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ આજીડેમ પાસે રામપાર્ક શેરી નં. ૩માં રહેતા મહેશભાઇ છગનભાઇ સોલંકી (ઉવ. ૩૮) સવારે પોતાનું જીજે-૨એચએફ-૮૫૫ નંબરનું એકટીવા લઇને ચુનારાવાડ ચોક પાસે કારખાનામાં મજૂરી કામ જતા હતા ત્‍યારે આજીડેમ ચોકડી નજીક આવેલા અનમોલ પાર્કના ઢોળા પાસે પહોંચતા અજાણ્‍યા વાહનના ચાલકે પૂરઝડપે આવી એકટીવાને હડફેટે લેતા મહેશભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ એચ.બી.ગઢવી સહિતે સ્‍થળ પર પહોંચી અજાણ્‍યા વાહન ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. મૃતક મહેશભાઇ ચુનારાવાડ ચોક પાસે કારખાનામાં મજૂરી કામ કરતા હતા તે પાંચ બહેનોના એકના એક ભાઇ હતા. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:51 pm IST)