રાજકોટ
News of Saturday, 6th August 2022

રાજકોટના બહુચર્ચિત સ્‍પા પ્રકરણમાં પકડાયેલ સંચાલકની હાઇકોર્ટમાં જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૬ : રાજકોટનાં સ્‍પા સંચાલક કિશન કરણબહાદુર ઠાકુર સામે એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદીએ તા. ૭/૫/૨૦૨૨ના રોજ અનૈતિક વ્‍યાપાર પ્રતિબંધિત અધિનિયમ અન્‍વય ફરિયાદ કરેલ. જે કામમાં આરોપી કિશનની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદીએ તેના પતિ વિશાલ માંડલીયા વિરૂધ્‍ધ તથા સ્‍પા સંચાલક કિશન ઠાકુર સામે એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ આપેલ હતી કે તેના પતિએ ઘર ચલાવવા માટે તેને દેહવ્‍યાપારનાં ધંધામાં જવા કહેલ ફરિયાદીની ઇચ્‍છા ન હોવા છતાં પતિનાં કહેવાથી તેણે દેહવ્‍યાપારનો ધંધો શરૂ કરેલ હતો અને ફરિયાદીની ઇચ્‍છા વિરૂધ્‍ધ તેનો પતિ તેને ધંધો કરાવતા હતા ત્‍યારબાદ ફરિયાદીએ એકાદ વરસ પહેલા એવરેસ્‍ટ વેલનેસ સ્‍પા જે વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ છે જે સ્‍પા આરોપી કિશન ચલાવતો હતો તેને ત્‍યાં ફરિયાદી કામે રહેલ આરોપી ફરિયાદીને દેહવ્‍યાપારમાં થતી આવકમાંથી અમુક રકમ લેતો હતો અને ત્‍યારબાદ આરોપીએ ફરિયાદીને મોરબી ખાતે સ્‍પામાં પણ ફરિયાદીની ઇચ્‍છા વિરૂધ્‍ધ મોકલેલ જે મુજબની ફરિયાદ આરોપીઓ સામે અનૈતિક વ્‍યાપાર પ્રતિબંધિત અધિનિયમ અન્‍વયે નોંધવામાં આવેલ હતી.

આરોપી કિશનની પોલીસે ધરપકડ કરતાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

બંને પક્ષોને વિસ્‍તૃતપુર્વક સાંભળી ગુજરાત હાઇકોર્ટનાં ન્‍યાયમૂર્તિશ્રીએ એવા નિષ્‍કર્ષ પર આવેલ હતા કે આરોપી ટ્રાયલ દરમ્‍યાન હાજર રહી શકે તેમ છે તેમજ ફરિયાદીની ઉંમર અને એફ.આઇ.આર.માં જણાવેલ સંજોગો ધ્‍યાને રાખી આરોપીની શરતોને આધિન જામીન અરજી મંજૂર કરેલ હતી.

આ કામમાં આરોપી કિશન ઠાકુર વતી રાજકોટનાં એડવોકેટ સ્‍તવન મહેતા, નિકુંજ શુકલા, કૃશન ગોર, બ્રિજેશ ચૌહાણ તથા ત્રિશુલ પાનસુબિયા રોકાયેલ હતા તેમજ ગુજરાત હાઇકોર્ટ ખાતે એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(3:42 pm IST)