રાજકોટ
News of Friday, 6th August 2021

ન્યારી ડેમ રોડ પર કાર ચાલકે બાઇકને ઉલાળ્યા બાદ ૧૫૦ ફુટ ઢસડાયું: વાજડીના ૧૮ વર્ષના મશરૂનું મોત

ભરવાડ પરિવારનો આધારસ્તંભ નોકરીએ જવા નીકળ્યો ને કાળ ભેટી ગયોઃ કારમાં ત્રણ જુવાનીયા હતાં તેને પોલીસને સોંપાયા

તસ્વીરમાં કાળ બનેલી કાર, યુવાન મશરૂનું હોન્ડા, મશરૂનો નિષ્પ્રાણ દેહ તથા ઘટના સ્થળ, પોલીસ કાફલો અને એકઠા થયેલા ગામલોકો તથા મૃતકના સ્વજનો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: જીવલેણ અકસ્માતની વધુ એક ઘટનાં કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામે રહેતાં ભરવાડ પરિવારના ૧૮ વર્ષના આધારસ્તંભ સમાન દિકરાની જિંદગી ખતમ થઇ ગઇ છે. સવારે પોતાના ઘરેથી બાઇક હંકારી નોકરી પર જવા નીકળેલા આ યુવાનને ન્યારી ડેમવાળા રોડ પર ન્યારી ડેમ તરફથી પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ઠોકરે ચડાવી દેતાં  યુવાન બાઇક સહિત દોઢસો ફુટ સુધી ઢસડાયો હતો અને રોડ નીચે ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કારમાં ત્રણ જુવાનીયાઓ બેઠા હોઇ તેને ગામલોકો, આગેવાનોએ લોકોના મારથી બચાવી પોલીસ સ્ટેશને પહોંચાડી દીધા હતાં.

જાણવા મળ્યા મુજબ વીરડા વાજડી ગામે રહેતો મશરૂ નાગજીભાઇ ટોયટા (ઉ.વ.૧૮) નામનો ભરવાડ યુવાન ફર્નિચરના શો રૂમમાં નોકરી કરતો હોઇ સવારે ઘરેથી ટિફિન લઇને નોકરી પર જવા માટે નીકળ્યો હતો. તે ન્યારી ડેમવાળા રસ્તે હતો ત્યારે ન્યારી ડેમ તરફથી બંબાટ ઝડપે આવેલી નંબર વગરની અલકેઝા કારની ઠોકરે ચડી જતાં તે બાઇક સહિત ફંગોળાઇ ગયો હતો અને અંદાજે દોઢસો ફુટ સુધી ઢસડાઇને રોડ નીચે ફેંકાઇ ગયો હતો. ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં વીરડા વાજડીના ગ્રામજનો, આગેવાનો, રાજાભાઇ ચાવડા સહિતના પહોંચી ગયા હતાં. અકસ્માત સર્જનાર કારમાં ત્રણ જુવાનીયા બેઠા હતાં. તે ન્યારી ડેમ તરફથી આવતાં હોવાનું જણાયું હતું. આ ત્રણેયને તુરત જ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકના  પીએઅસાઇ એન. કે. રાજપુરોહિત અને હિતેષભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી હતી.  અકાળે કાળનો કોળીયો બની ગયેલો મશરૂ ચાર ભાઇ અને બે બહેનમાં બીજો હતો અને શો રૂમમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા રિક્ષા હંકાી ગુજરાન ચલાવે છે. માતાનું નામ અમુબેન છે. યુવાન દિકરાના મોતથી ટોયટા-ભરવાડ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે ત્રણ યુવાનો પૈકી કાર કોણ ચલાવતું હતું? તે સહિતના મુદ્દે તપાસ કરી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

(3:11 pm IST)