રાજકોટ
News of Thursday, 6th August 2020

ધંધા-રોજગારના સ્થળે નિયમોનું પાલન ન કરનાર ૮ વેપારી પકડાયાઃ ક્રાઇમ બ્રાંચની ટીમોના દરોડા

સવારથી બપોર સુધીમાં પોલીસ કમિશનરના આદેશથી કાર્યવાહીઃ ગમે ત્યારે પોલીસ ઓચિંતા દરોડા પાડશેઃ કોરોનાના કહેર વચ્ચે લોકો સમજતા ન હોઇ પોલીસ દરોડા પાડવા મજબૂર

રાજકોટ તા. ૬: કોરોના સંદર્ભે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનલોક-૩ અંતર્ગત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. તેનો ભંગ કરનારા સામે દરરોજ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં અમુક લોકો સમજતા નથી. આજે સવારથી બપોર સુધીમાં ધંધા રોજગારના સ્થળે નિયમોનું પાલન નહિ કરનારા ૮ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે ગુજરાત પાન પાર્લરના હિતેષ રઘુભા રાઠોડ, નકલંક ચા હોટેલના સુરેશ સવાભાઇ ચીરોડીયા, મોમાઇ ટી સ્ટોલના સોમા અરજણભાઇ સુસરા, પંચનાથ પ્લોટ ચાની કેબીનવાળા નાગજી ઘોઘાભાઇ ઝાપડા, પરમેશ્વર જ્વેલર્સવાળા વિશાલ કિરીટભાઇ ઝીંઝુવાડીયા, ટ્રેસિયસ ઓર્નામેન્ટ ઇમિટેશનના ધવલ જાદવભાઇ લીંબાસીયા, લેડી લૂક ટ્રેઇલરના નિખીલ લલીતભાઇ પીઠડીયા તથા અંબિકા જ્વેલર્સના પ્રકાશ અંબાલાલ પીઠડીયા સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

ચા-પાન તથા અન્ય દૂકાનોના સંચાલકો દ્વારા નિયમોનો ભંગ કરી ભીડ એકઠી કરવામાં આવતી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાંચને અલગ અલગ ટીમો બનાવી આ કામગીરી કરવા સુચના આપી હોઇ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. જ્યાં ગુના નોંધાયા એ સ્થળોએ ભીડ હોવા ઉપરાંત માસ્ક ન પહેરવા, સેનેટાઇઝર ન રાખવું સહિતના નિયમોનો પણ ભંગ થયો હતો. પોલીસ ઓચિંતી આ રીતે ગમે ત્યારે ચેકીંગ કરી કાર્યવાહી કરશે.

(3:26 pm IST)