રાજકોટ
News of Thursday, 6th August 2020

સોમનાથ સોસાયટીમાં ૭૦ વર્ષના સવિતાબેન માવદિયાને દિકરા અને વહૂએ ઘુસ્તાવી નાંખ્યા

ઘરમાં કેટલા માણસો રહો છો? એવું પુછવા આવેલા આરોગ્ય વિભાગના ભાઇને જવાબ આપતાં તે જતાં રહ્યા બાદ 'તું કેમ બોલી?' કહી ઢીકા-પાટાનો માર મારતાં સારવાર લીધી

રાજકોટ તા. ૬: દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧૧માં રહેતાં સવિતાબેન ત્રિકમલાલ માવદીયા (ઉ.વ.૭૦) નામના પ્રજાપતિ વૃધ્ધાને તેના પુત્ર સુરેશભાઇ માવદીયા અને પુત્રવધૂ રક્ષાબેન સુરેશભાઇએ મળી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

સવિતાબેન દિકરા સુરેશભાઇ અને પુત્રવધુ રક્ષાબેન જ્યાં રહે છે એ જ ઘરમાં ફળીયામાં આવેલી રૂમમાં રહે છે. તેણીના દિકરી ભારતીબેન ધીરૂભાઇ વેગડે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા બા સવિતાબેન સાંજે કેકેવી ચોકમાંથી દવા લઇને ઘરે આવીને બેઠા હતાં ત્યારે કોઇ આરોગ્ય વિભાગવાળા ભાઇ આવ્યા હતાં અને ઘરમાં કેટલા સભ્યો રહે છે? તેવી પૃચ્છા કરતાં મારા બાએ પાંચ લોકો રહે છે તેવો જવાબ આપ્યો હતો.

એ પછી એ ભાઇ જતાં રહ્યા બાદ સુરેશભાઇ અને ભાભીએ 'તું શું કામ એ ભાઇ સાથે બોલી?' તેમ કહી ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં.

(1:02 pm IST)