રાજકોટ
News of Monday, 6th August 2018

સરપંચોના સંગઠન થકી ગામડાઓથી દેશ સુધી વિકાસ યાત્રાઃ વિજય કોરાટ

રાજકોટ જિલ્લાના સરપંચો એક મંચ પર : બીનરાજકીય સંગઠનની રચના : પ્રમુખપદે વિજયભાઇ કોરાટ : કોમ્યુનિકેશન વધવાથી યોજનાકીય લાભો મેળવી શકાશે : ગામો વધુ સમૃધ્ધ બનશે : અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાદાયી : ટુંક સમયમાં સરપંચો માટે સેમીનારનું આયોજન

રાજકોટ તા. ૬ : રાજકારણને એક બાજુ મુકી માત્ર પોતાના ગામડાનો વિકાસ કેમ કરી શકાય તેવા ધ્યેય સાથે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના સરપંચોને એક મંચ પર લાવી 'ગ્રામ્ય સરપંચ સંગઠન રાજકોટ' ની રચના કરવા પહેલ કરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણા પુરી પાડી હોવાનું સંગઠનના પ્રમુખપદે નિમાયેલા વિજયભાઇ કોરાટે 'અકિલા'ની મુલાકાતમાં જણાવ્યુ હતુ.

અહી તેઓએ જણાવેલ કે વિવિધ ગામોના સરપંચો એકબીજાની નજીક આવે અને એ રીતે કોમ્યુનીકેશન થવાથી પરસ્પર વિવિધ યોજનાકીય લાભોની ચર્ચા કરી ગામડાઓને તેના લાભો અપાવે તેવો આશય આ સંગઠન રચવા પાછળનો છે. આગામી દિવસોમાં સરપંચો માટે સેમીનારના આયોજનો પણ કરતા રહીશુ. જેથી નવી નવી જાણકારીની આપ લે થતી રહે. આમ સરપંચોના માધ્યમથી ગામડાઓને સમૃધ્ધ બનાવી દેશની વિકાસયાત્રામાં સામેલ કરીશુ.

સરપંચોના આ સંગઠન દ્વારા પ્રથમ કાર્ય જે તે ગામનાડાઓની પ્રાથમિક જરૂરીયાતોનો અભ્યાસ કરવાનું હશે. મુળભુત જરૂરીયાતો જેવી કે ઉર્જા, સુરક્ષા, જળ સંચય, કૃષી, શિક્ષણ, કન્યા કેળવણી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે. યુવાનોને રોજગારી, કિસાનોને વિજળી, મહિલા, બાળકો, વૃધ્ધોને તબીબી સારવાર સમયસર મળી રહે તે માટેના પ્રયત્નો કરાશે.

કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહીતી ગામડે ગામડે પહોંચે અને વૈજ્ઞાનીક કે કાયદાકીય જ્ઞાન શેર કરાશે.

તાલુકાના ૨૫ ગામના સરપંચોના બનેલા આ 'ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટ' ના હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે રાજકોટના વિજયભાઇ કોરાટ (મો.૯૮૯૮૭ ૦૦૦૫૦) તેમજ મહામંત્રી તરીકે રાજકોટના ભરતભાઇ ડાભી, મહામંત્રી તરીકે કોટડા સાંગાણીના અમીતભાઇ પડારીયા, ઉપપ્રમુખ તરીકે જસદણના ધીરૂભાઇ રામાણી, ઉપલેટાના રમેશભાઇ ખાંટ, જામકંડોરણાના સહદેવસિંહ જાડેજા, ગોંડલના રાજુભાઇ રૈયાણી, લોધીકાના સંજયભાઇ અમરેલીયાની વરણી કરાઇ હતી.

જયારે મંત્રી તરીકે ધોરાજીના રમેશભાઇ મકાતી, વિંછીયાના વલ્લભભાઇ મેતલીયા, જસદણના પરેશભાઇ રાદડીયા, જેતપુરના અરવિંદભાઇ ગુજરાતી, પડધરીના દિનેશભાઇ દુધાગરા તેમજ કોષાધ્યક્ષ તરીકે જામકંડોરણાના જયસુખભાઇ બગડાની વરણી કરાઇ હતી.

એજ રીતે કારોબારી સભ્યોમાં ઉપલેટાના કાનાભાઇ સુવા, રાજકોટના કેયુરભાઇ ઢોલરીયા, રાજકોટના દેવાભાઇ કોરડીયા, કોટડા સાંગાણીના વિજયસિંહ વાળા, જેતપુરના અશોકભાઇ ઉંધાડ, લોધીકાના વિપુલભાઇ મોરડ, ધોરાજીના બાવજીભાઇ પાઘડાર, રાજકોટના કિરીટભાઇ રામાણી, જસદણના દિનેષભાઇ સિદપરા, પડધરીના નિલેષભાઇ તળપદાનો સમાવેશ કરાયો છે.

તસ્વીરમાં સંગઠનમાં જોડાયેલ તમામ સરપંચશ્રીઓ તેમજ સાથે તાલુકાના આગેવાનો ભરતભાઇ શીંગાળા, મોહનભાઇ ખુંટ, અલ્પેશભાઇ ઢોલરીયા,  કો-ઓર્ડીનેટર અરૂણભાઇ નિર્મળ, રાજુભાઇ પ્રફુલભાઇ ટોળીયા, સતિષભાઇ શીંગાળા, રાજુભાઇ વગેરે નજરે પડે છે.

(3:48 pm IST)