રાજકોટ
News of Wednesday, 6th July 2022

પ્રમુખમાર્ગઃ સારી વાતમાં શ્રેષ્ઠ વાત

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

મહાભારત કાળની આ વાત છે. મુદ્ગલ નામના એક ઋષિ શિલોંછવૃત્તિથી રહેતા હતા. એટલે કે ખેતરમાંથી દાણા લેવાઈ જાય ત્યારબાદ વેરાઈને પડી રહેલા અનાજના કણ કણને વીણી તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઘણીવાર અનાજ પુરતું ન પણ મળે ત્યારે ઉપવાસ કરતા. એકવાર ઘણા દિવસના ઉપવાસ પછી અનાજ મળ્યું. તે સાથવાને જયાં પોતે જમવા જતા હતા ત્યાં જ અતિથિ બ્રાહ્મણ પધાર્યા. અતિથિ બ્રાહ્મણને તેમણે પ્રસન્ન મને ભાવથી સાથવો આપી દીધો. અતિથિ બ્રાહ્મણે સાથવો જમી જયાં ચળું કર્યું તે સ્થાને એક નોળિયો આળોટ્યો. તેના શરીરના જે ભાગે ભાવથી અર્પણ થયેલ સાથવાના વધેલા કણ અને જળ અડ્યા તે અડધો ભાગ સોનાનો થઈ ગયો. હવે નોળિયાને લાલચ લાગી કે આખું શરીર સોનાનું કરી નાખું. તેથી તે પાંડવોના રાજસૂય યજ્ઞમાં ગયો. આ યજ્ઞમાં પાંડવોએ એકવીસ હજાર બ્રાહ્મણોને જમાડ્યા હતા. તે બ્રાહ્મણોએ જમીને છાંડેલા અનાજ પર આ નોળિયો આળોટ્યો પણ તેનું શરીર સોનાનું ન થયું કારણ કે મુદ્ગલ ઋષિએ જે ભાવથી અનાજ આપેલું તેવો ભાવ પાંડવોને નહોતો. દાન કે સમર્પણમાં ભાવ મુખ્ય બની રહે છે.

કઠોપનિષદમાં ગુરૃ સ્નાતક શિષ્યોને આદેશ આપતા કહે છે, 'શ્રધ્ધયા દેયમ અશ્રધ્ધયા' જે કંઈ આપવું તે શ્રદ્ઘાથી આપવું, અશ્રદ્ઘાથી ન આપવું. એટલે કે દાનકર્મ શ્રદ્ઘાથી, ભાવથી કરવું.

પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના જીવનમાં આ ભાવ તાદૃશ થાય છે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ઉકાઈમાં આદિવાસી બાળકોને અભ્યાસની સાથે સાથે રહેવા-જમવાની વ્યવસ્થા પણ નિઃશુલ્ક રીતે પૂરી પાડતું છાત્રાલય ચલાવવામાં આવે છે. એકવાર પ્રમુખસ્વામી મહારાજ તેની મુલાકાતે પધારેલા. છાત્રાલયનું નિરીક્ષણ કરતા તેઓએ વ્યવસ્થાપકોને પૂછ્યું, 'બાળકોને સવારે નાસ્તામાં શું આપો છો?'  'બટેટા-પૌંઆ, ચણા, દૂધ વગેરે આપીએ છીએ.' 'દૂધ કેવું આપો છો?' 'પાઉડરનું', 'બધાને તે ભાવે છે?' 'કોઈને ન ભાવે તો ન પણ પીએ.' આ સાંભળતા પ્રમુખસ્વામી મહારાજ દીલગીર થતા કહે, 'આપણે ગાય કે ભેંસનું દૂધ આપવું. જેથી કોઈ પીધા વગર ન રહે. છોકરાઓનું શરીર બગડે તેવું ન કરવું. ખોરાક સારો મળે, શરીર સારું રહે, અભ્યાસ સારો કરે અને સંસ્કાર સારા મળે. આ વસ્તુ ઉપર બરાબર ધ્યાન રાખવું. એ માટે ખર્ચ થાય તો વાંધો નહીં.'

ત્યારબાદ ઓઢવા મૂકેલા ધાબળા જોઈને પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, 'આ ધાબળા ટાઢ હરે તેવા ફકકડ છે. પણ તેને ખોળિયાં કરાવી દેવાં, જેથી બાળકો ઓઢે ત્યારે તેમના ગાલની કોમળ ચામડી છોલાય ન જાય.' વનવાસી બાળકોની નિઃશુલ્ક વ્યવસ્થામાં પણ કેટલી કાળજી!! ભાવના કેટલી પરિશુદ્ઘ !

ભૂજમાં ભૂકંપ બાદ તુરત જ રાહતકાર્યો પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી શરૃ થઈ ગયા હતા. આ રાહતકાર્યના પ્રારંભમાં ૮,૭૮,૨૯૯ ફૂડપેકેટ્સનું વિતરણ કરવામાં આવેલું. આ ફૂડપેકેટ્સ તૈયાર થઈ રહેલાં ત્યારે પ્રમુખસ્વામી મહારાજ તેની કાર્યવાહી જોવા પધારેલા. દરેક પેકેટમાં ૧૫૦ ગ્રામ ગાંઠિયા અને ૭૫ ગ્રામ બુંદી મૂકવામાં આવતી હતી. તે જોઈ તેઓએ સૂચન કરેલું, 'આમાં બે આથેલાં મરચાં પણ મૂકજો. ખાવામાં સારૃં લાગે.'

પીડિતના પેટનો ખાડો પુરાય એટલું જ નહીં, પરંતુ તેને સ્વાદ પણ આવવો જોઈએ આ તેઓની ભાવના ! ભાવનામાં કેટલી આત્મીયતા !

તે પછી રાહત રસોડાનો, અન્નક્ષેત્રનો આરંભ થયો. આ દરમ્યાન કુલ ૧૮ લાખ લોકોને ગરમ ભોજન આપવામાં આવેલું. આ રાહતકાર્યમાં ૨,૪૮,૭૧૨ કિલોગ્રામ ઘઉંનો લોટ ભોજન માટે વપરાયો હતો. તેની તૈયારીમાં જોડાયેલા સંતને પ્રમુખસ્વામી મહારાજે સૂચના આપેલી કે, 'અનાજ દળાય છે તે બરાબર સાફ કરીને જ દળાય તેની બરાબર કાળજી રાખજો. કાંઈ કચરૃં-કાંકરૃં રહી ન જાય.'

અસરગ્રસ્તોને સ્વાદ આવે એટલું જ નહીં. પરંતુ તેઓનું સ્વાસ્થ્ય પણ જળવાવું જોઈએ. આ તેઓની ભાવના ! ભાવનામાં કેવી મમતા !

શ્રીમદ્ ભગવદગીતાના સત્તરમાં અધ્યાયમાં દાનનો મહિમા કહ્યો છે. તેમાં દાન આપવાની ભાવના અને પાત્રને લીધે ત્રણ પ્રકાર વર્ણવ્યા છે, તામસદાન, રાજસદાન તથા સાત્તવિકદાન. પ્રત્યુપકારની અપેક્ષા વિના નિસ્વાર્થભાવે કરવામાં આવતું દાન સાત્વિકદાન કહેવાયું છે. પ્રમુખસ્વામી મહારાજનું દાનકર્મ સાત્વિક તથા નિર્ગુણ બની રહેતું, કારણ કે તેઓ જે ક્રિયા કરતા તે કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ કરતા.

દાન કરવું તે સારી વાત છે પણ તેમાં ભાવના પરિશુદ્ઘ હોય, ભગવતપ્રસન્નતાની હોય તે શ્રેષ્ઠ વાત છે. આ પ્રમુખસ્વામીનો માર્ગ છે, આ સંતોનો માર્ગ છે. શ્રેષ્ઠતાને પામવા ઇચ્છતા સૌ કોઈ માટે આ જ પ્રમુખમાર્ગ છે.

સાધુ નારાયણ મુનિ

(3:27 pm IST)