રાજકોટ
News of Saturday, 6th July 2019

સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કાલનો દિવસ મધ્યમથી ભારે વરસાદ થશે : સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા - હળવો, સિમિત વિસ્તારોમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડશે : ૧૩ જુલાઈ સુધીની અશોકભાઈ પટેલની આગાહીઃ આગામી ૪૮ કલાકમાં પશ્ચિમ રાજસ્થાનના અમુક ભાગો સિવાય સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જશે

રાજકોટ, તા. ૬ : સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા - હળવો વરસાદ થશે. જયારે સિમિત વિસ્તારમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડશે. જયારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલના દિવસે મધ્યમ અને તેમજ એકલ-દોકલ વિસ્તારમાં અતિભારે વરસાદની શકયતા હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, ચોમાસુરેખા હાલ ૨૫ ડિગ્રી નોર્થ, ૬૦ ડિગ્રી ઈસ્ટ અને ત્યાંથી બારમેર (રાજસ્થાન), જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, પુના, અમૃતસરમાંથી પસાર થાય છે. (હવે પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણાના થોડા બાકી રહેલા ભાગોમાં ચોમાસુ બેસવા તરફ) હજુ વાતાવરણ એ તરફ સારૂ હોય હરિયાણા, પંજાબમાં ચોમાસુ બેસી જશે જયારે પશ્ચિમ રાજસ્થાનના ભાગો બાકી રહેશે.

મધ્યપ્રદેશવાળુ લોપ્રેશર અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે દક્ષિણ ઉત્તરપ્રદેશ ઉપર લાગુ ઉત્તર મધ્યપ્રદેશ ઉપર છે. જે ૧.૫ કિ.મી. ઉંચાઈ સુધી ફેલાયેલ છે. ટ્રફ નોર્થ વેસ્ટ રાજસ્થાનથી નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી તરફ જાય છે. (વાયા દક્ષિણ ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેવી જ રીતે એક બીજુ ટ્રફ ઝારખંડથી મણીપુર વાયા બાંગ્લાદેશ, આસામ અને મેઘાલય સુધી જાય છે.)

દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારમાં ૩.૧ કિ.મી.ના લેવલનું અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. બંગાળની ખાડી બાજુથી એક અપરએર સાયકલોનીક સરકયુલેશન હાલ પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ ઉપર છે. જે ૭.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

અશોકભાઈએ તા.૬ થી ૧૩ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, અરબી સમુદ્રમાંથી પવનનું પ્રમાણ વધુ રહેશે એટલે આગાહીના સમય દરમિયાન ૨૫થી ૩૫ કિ.મી.ની ઝડપે તો કયારેક ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે. હલામાં સૌરાષ્ટ્ર ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે ભેજનું પ્રમાણ ઓછું છે. જો કે ૧.૫ કિ.મી.ના લેવલે ભેજનું પ્રમાણ સારૂ છે. સમગ્ર આગાહીના સમય દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ ભારે તેમજ એકલ - દોકલ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આવતીકાલ સુધી રહેશે ત્યારબાદ વરસાદની માત્રા અને વિસ્તાર ઓછો થશે.

જયારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ તેમજ સિમિત વિસ્તારમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડશે.

(3:05 pm IST)