રાજકોટ
News of Thursday, 6th June 2019

રાધે ક્રિષ્ન સોસાયટીના ૬પ પરિવારો ઉપર ગુંડા ટોળકીનો અમાનુષી ત્રાસ

ફરીયાદો પોલીસના કાને અથડાઇ પાછી પડે છેઃ યુનિવર્સિટી નજીકની અતિ કિંમતી બની ગયેલી જગ્યા પુર્વયોજીત કાવત્રાના ભાગ હેઠળ પડાવી લેવાનો કારસો : ડીસીપી રવી મોહન સૈની સમક્ષ રજુઆત કરતા મહિલાઓ ચોધાર આંસુએ રડી પડીઃ ૩૦ર નંબરની ગાંધીનગર પાસીંગની કાળી સ્કોર્પીયોમાં આવતા ભુરા અને તેના સાગ્રીત એવા યુવાનો અને : મહિલાઓની ટોળકીએ શ્રમિક પરીવારો પાસેથી પાણીના ભાવે મકાનો પડાવી લેવા મહિનાઓથી ત્રાસનું સામ્રાજય સજર્યુ છેઃ સીસીટીવી ફુટેજમાં બર્બરતા તાદ્રશ્ય થતી હોવા છતાં માથાભારે બિલ્ડર-રાજકિય ઓથવાળી મનાતી ટોળકી સામે કોઇ પગલા નહિઃ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના વિસ્તારની આ સોસાયટીમાં કાયદો-વ્યવસ્થાના પરીઘમાં નથી આવતી? વેધક પ્રશ્નઃ સાસરે રહેતી બહેનો-દિકરીઓ માવતરે વેકેશન ગાળવા આવી શકતી નથી : અસરગ્રસ્તો પૈકીના વૃધ્ધાએ ઝેરની શીશી ઉઠાવી આત્મહત્યા સિવાય કોઇ રસ્તો નહિ હોવાની આપી ચિમકી

અકિલા સમક્ષ રાધેક્રિષ્ન સોસાયટીના રહેવાસીઓએ મહિનાઓથી માથાભારે ટોળકી દ્વારા મકાનો પડાવી લેવા ગુજારાતા ત્રાસની હ્ય્દયદ્રાવક વિગતો વર્ણવી હતી. લતાવાસીઓની આગેવાની દાનાભાઇ કુંગશીયા અને રાજુભાઇ જોશીએ લીધી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૬: યુનિવર્સિટી રોડ ઉપર કીડની હોસ્પીટલથી રૈયા તરફ જતા રસ્તા પર છેક ર૦૦૧ની સાલથી વસેલી રાધેક્રિષ્ન સોસાયટીના ૬પ પરીવારોની હાલત છેલ્લા કેટલાક મહિનાઓથી નર્કમાં વસતા હોય તેવી બની ગઇ છે. રહેવાસીઓ બીક અને ત્રાસથી ગળે આવી પોતાના મકાનો પાણીના ભાવે વેચી ચાલ્યા જાય તે માટે બિહારના ગુંડારાજને શરમાવે તેવી બર્બરતા માથાભારે ટોળકી દ્વારા આચરવામાં આવતી હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની કોઇ પગલા નહિ લેતી હોવાનો વસવસો ડીસીપી રવિ મોહન સૈની સમક્ષ લતાવાસીઓએ વ્યકત કર્યો ત્યારે કેટલીય મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. રાજકીય અને વગદાર લોબીની હુંફ ધરાવતી મનાતી આ ટોળકી મુખ્યમંત્રી અને શહેર ભાજપ પ્રમુખના વિસ્તારમાં સરેઆમ ગુંડારાજ ફેલાવતી હોવા છતાં પોલીસ અધિકારીઓ અને રાજકીય આગેવાનોના કાને ફરીયાદો અથડાઇ પાછી પડી રહી છે.

ડીસીપી સમક્ષ રજુઆત અકિલાના આંગણે ન્યાયની અપેક્ષા સાથે આવેલા લતાવાસીઓએ રડમસ અવાજે જણાવ્યું હતું કે, આ ટોળકીના ત્રાસથી ૬ થી ૭ લોકો મકાન વેચી ચાલ્યા ગયા છે. બાકીના પરીવારો  પણ કંટાળી પોત-પોતાના મકાનો વેચી દયે તે માટે ભુરા નામનો જીજે૧૮-૩૦ર નંબરની સ્કોર્પીયોમાં ફરતો શખ્સ અને તેના સાગ્રીતો વિસ્તારવાસીઓમાં બેફામ ગાળાગાળી અને  દરવાજા ઉપર ધોકા પછાડી માનસીક ત્રાસ આપી રહયા છે એટલું જ નહિ આ ટોળકીની માથાભારે મહિલા સભ્યો નગ્ન બની ચોકમાં માથાના વાળ છુટ્ટા કરી ભયનું સામ્રાજય સર્જી રહી છે. સદગૃહસ્થોને ઘરમાંથી નિકળવું અઘરૂ થઇ પડે છે. એક શહીદ વીર પરીવારના વિધવા અને તેના પુત્ર પર ગુજરાતા ત્રાસનીઁ ગાથા સાંંભળી ભલભલા પીગળી જાય તેમ છતા નિંભર તંત્રના પેટનું પાણી હલતું નથી.  તેવું ઉપસ્થિત રજુઆતકર્તાઓએ અખબારી માધ્યમો સમક્ષ જણાવ્યું હતું.

એક વૃધ્ધાએ તો હાથમાં ઝેરની શીશી દેખાડી આત્મહત્યા કર્યા સિવાય કોઇ આરોવારો નહિ હોવાનંુ હિબકા ભરતા જણાવ્યું હતું. આ વૃધ્ધાએ જણાવ્યું કે, 'સાહેબ આ લુખ્ખા તત્વોના ત્રાસથી સાસરે વળાવેલી મારી દિકરીઓ વેકેશનમાં તેમના પિયરે આવી શકતી નથી'!

અન્ય એક મહિલાએ જણાવ્યું કે, મધરાત્રે અંદરોઅંદર ગાળા-ગાળી અને પોતાના રહેણાંકના મકાનના દરવાજા પર ધોકા પછાડી સોસાયટીના કોઇ એક પરીવાર પર અમાનુષી ત્રાસ  ગુજરાતો હોય તેવા હાકલા-પડકારા કરવામાં આવે છે. સોસાયટીની એકતા ભયના કારણે તુટી જાય તેવા અધમ કૃત્ય આચરવામાં આવે છે. એક ત્યકતા અન્ય મહિલા સભ્ય સાથે બહાદુરીપુર્વક પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા પહોંચ્યા તો સવારથી રાત સુધી તેમને બેસાડી રાખી પોલીસ સ્ટેશનમાં નાના માણસોનું કોઇ સાંભળવાવાળું નથી તેનો દાખલો બેસાડાયો !

સ્થાનીક ભાજપના નેતાઓને પણ અનેક વખત ફોન કરી ફરીયાદો કરી તો તેમણે જવાબ આપ્યો કે 'ગટર, પાણી, સફાઇના પ્રશ્નો હોય તો કહો આ પ્રશ્ન અમારો નથી'!

એક માથાભારે અને પંકાયેલી હોસ્ટેલના સભ્યો દ્વારા વિસ્તારના બે-ત્રણ મકાન ખરીદી કે ભાડે રાખી અડ્ડો જમાવવામાં આવે છે. દિવસ-રાત દારૂની મહેફીલો યોજી લતાવાસીઓને ત્રાસ આપવામાં આવે છે. મહિલાઓ કામથી ઘર બહાર નિકળે તો કાનમાં કીડા પડે તેવી ગાળો બોલવામાં આવે છે. આ ત્રાસમાંથી અમને કોણ છોડાવશે? જો પોલીસ તંત્ર કાંઇ નહિ કરે તો અમે સામુહિક આપઘાત કરીશું તેવી વ્યથા વિસ્તારના રહેવાસીઓએ ઠાલવી હતી.

(4:14 pm IST)