રાજકોટ
News of Thursday, 6th June 2019

ભીમ અગીયારસે થશે ગૌ વંદના - શ્વાન વંદના

જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભંડારો : ગાય માટે ૧૦૦૧ કિલો લાડુ બનશે : શ્વાન માટે ૧૦૦૧ લીટર દુધ અને રોટલીની વ્યવસ્થા : પક્ષીઓને ચણ અપાશે

રાજકોટ તા. ૬ : રેલ્વે ટ્રેક કે રોડ રસ્તાઓ પર અકસ્માતે જીવ ગુમાવનાર અબોલ પશુ પક્ષીઓના આત્મ મોક્ષાર્થે ભીમ અગીયારસે અનોખા ભંડારાનું આયોજન જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૩ ના બુધવારે ભીમ અગીયારસે આ ગૌ વંદના અને શ્વાન વંદના કરાશે. પશુ પક્ષીઓને ભરપેટ ભોજન કરાવાશે.

આ માટે ૧૦૦૧ કીલો લાડુ, ર૧ ગુણી ખોળ, ૨૫૧ કીલો બુંદી, ૧૦૧ કીલો ગાંઠીયા, ૧૦૦૧ લીટર દુધ, ૧૦૦૦ રોટલી, ૨૧ કીલો કીડીયારુ, ૪૦ કીલો સચણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભીમ અગીયારસના તા. ૧૩ ના સવારે પ.૩૦ વાગ્યાથી રેસકોર્ષ રીંગ રોડ પર આ વસ્તુઓનું વિતરણ કરાશે. પ્રસાદ બનાવવાનું કાર્ય તા. ૧૨ ના બુધવારે  સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી વીરમેશ્વર મહાદેવ મંદિર, રેસકોર્ષ પાર્ક, રેલ્વે ફાટક પાસે ચાલશે. જેમાં કોઇપણ સેવાભાવી ભાઇ બહેનો સેવા આપવા આવી શકે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા દોલતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મિતલ ખેતાણી, પારસભાઇ મોદી, મનસુખભાઇ કણસાગરા, ભીમજીભાઇ સગપરીયા, મનુભાઇ બલદેવ, વિનોદભાઇ પાબારી, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, રાજેન્દ્રસિંહ ગોહીલ, લાખાણીબેન, ચંદુભા ડાભી, બાબુભાઇ ખત્રી, અરૂણભાઇ નિર્મળ તેમજ પોલીસ હેડ કવાર્ટરના ભાઇ બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારૂતીનગરના સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં ગૌ વંદના અને શ્વાન વંદના કાર્યક્રમની વિગતો વર્ણવતા જય માતાજી અબોલ જીવ માનવ સેવા ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:25 pm IST)