રાજકોટ
News of Wednesday, 6th June 2018

કાળીપાટમાં કોળી યુવાન જયદિપનો વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત

રાત્રે પાણી વાળવા ગયો'તોઃ સવારે ઘરે ન આવતાં મોટો ભાઇ જોવા જતાં લટકતો મળ્યો

રાજકોટ તા. ૬: કાળીપાટમાં રહેતાં ૧૮ વર્ષના જયદિપ વાલજીભાઇ મકવાણા  નામના કોળી યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળ્યા મુજબ જયદિપ ગત રાત્રે ઘરેથી વાડીએ પાણી વાળવા ગયો હતો અને ત્યાં જ રોકાઇ ગયો હતો. સવારે મોડે સુધી ઘરે ન આવતાં મોટા ભાઇ શૈલેષભાઇ વાડીએ તપાસ કરવા જતાં વાડીની ઓરડીમાં જયદિપને લટકતો જોઇ હતપ્રભ થઇ ગયા હતાં. ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને યોગરાજસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર જયદિપ બે ભાઇમાં નાનો હતો. તેની સગાઇ એક વર્ષ પહેલા ચુનારાવાડની યુવતિ સાથે થઇ હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. (૧૪.૧૦)

(4:24 pm IST)