રાજકોટ
News of Thursday, 6th May 2021

શું શહેરમાં પોલિસની ધાક ઓસરી રહી છે?

પોલીસ અધિકારીઓ ઉપર હુમલાઃ બે મોટા શોરૂમમાં લાખોની લૂંટઃ આ બધું શું દર્શાવે છે ? ગાયત્રીબા વાઘેલા - મનસુખ કાલરિયા

રાજકોટ તા. ૬ : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શ્રી મનસુખભાઇ કાલરિયાએ એક સંયુકત  જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી  પોલીસની ધાક ઓસરી રહી હોવાનું દર્શાય છે. સતત રાજકીય આકાઓના ઇશારે કાયદાને દર કરાર  કરી કામ કરવાની પધ્ધતિથી તેમજ તાજેતરમાંજ જુદી-જુદી બે જગ્યાએ પોલીસ અધિકારીઓ ઉપર થયેલ હુમલાની લાંછન રૂપ ઘટનાઓ બાદ રાજયના શાંત ગણાતા રાજકોટ શહેરમાં ગુનેગારો બેખોફ બની ગયા હોય તેમ દસેક દિ'માં બે જગ્યાઓ ઉપર શોરૂમમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવી ગુનેગાર હવામાં ઓગળી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે અમુક તો પોતાના રાજકીય આકાઓને ખુશ કરવામાં અને તેમના પડયા બોલ ઝીલવામાં વ્યસ્ત હોવાનું દર્શાય છે. આમાંથી થોડો સમય  કાઢી ગુનેગારો ઉપર પણ પોતાની ધાક જમાવે તે જરૂરી બન્યું છે.

શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર શહેરની જનતા કોરોનાથી ત્રસ્ત છે છેલ્લાં ઘણાં સમયથી ધંધા રોજગારો સદંતર બંધ છે લોકો પોતાનાં સ્વજનોને બચાવવા માટે આમ તેમ દોડી રહ્યાં છે ત્યારે રાજયની ભા.જ.પ. સરકાર દ્વારા પોલીસ તંત્રને, પોલીસ સ્ટેશન પ્રમાણે, માસ્કનાં નામે લાખો રૂપિયાનાં દંડ વસૂલવાનાં ટાર્ગેટો આપવામાં આવ્યાંની પણ ચર્ચા છે. શહેરનું પોલીસતંત્ર સવાર-સાંજ શહેરનાં ચોકે-ચોકે આમ જનતા પાસેથી તગડો દંડ વસુલવામાં વ્યસ્ત બની ગઇ હોય અને શહેરમાં બનતાં ગુનાઓ પ્રત્યે ગંભીર ન હોય તેવું શહેરની જનતા અનુભવી રહી છે.

ગાયત્રીબાએ અંતમાં લખ્યું છે કે, સમગ્ર શહેરમાં પોલીસ પાસે પોતાનાં ખાનગી ખબરીઓનું નેટવર્ક ધરાવતાં અધીકારીઓની કમી હોય કે પછી ગુનેગારો જે રીતે રેકી કરી ગુનાને અંજામ આપી રહ્યા છે તેની સામે પોલીસ પાસે આ પ્રકારનાં ગુનાનાં બનાવો અટકાવવા માટે કોઇ જ નેટવર્ક ન હોય તેવી સ્થિતિ દર્શાય છે. ત્યારે તાત્કાલીક ધોરણે શહેરનું પોલીસ તંત્ર હરકતમાં આવે. પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં ઉતરે  અને શાંત ગણાતાં રાજકોટને ગુનાખોરીની જાળમાં ફસાતા અટકાવે તે જરૂરી છે તેમ મહિલા કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર શ્રી મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું છે.

(4:17 pm IST)