રાજકોટ
News of Thursday, 6th May 2021

કોરોનાએ હાહાકાર મચાવતા રાજકોટનું વેજીટેબલ માર્કેટ યાર્ડ હવે બપોરે ર સુધી ખુલ્લુ રહેશેઃ સવારે ૬થી બપોરે ર સુધી શાક મળશે

વેપારીઓ-મજૂરો-કમિશન એજન્ટો સહિત અનેક લોકોને કોરોના વળગતા આખરે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય : ૪૦૦ દુકાનો સજ્જડ બંધ કરી દેવાશેઃ હરરાજીમાં ૧ાા થી ર હજાર સહિત આખો દિ'માં ૮ થી ૧૦ હજાર લોકો આવે છે

રાજકોટ તા. ૬ :.. રાજકોટ જૂના માર્કેટ યાર્ડ કે જે હવે વેજીટેબલ માર્કેટ યાર્ડ તરીકે ઓળખાય છે, ત્યાં કોરોનાએ છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં હાહાકાર મચાવતા આજથી અમલમાં આવે તે રીતે માત્ર અર્ધો દિવસ વેજીટેબલ માર્કેટ યાર્ડ ખૂલ્લુ રાખવાની યાર્ડના સત્તાધીશો - વહીવટી તંત્રે જાહેરાત કરી છે, અને તેની જાણ વેપારીઓ - ખેડૂતો- મજૂરો - કમીશન એજન્ટોને કરી દેવાઇ છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં અનેક વેપારીઓ મજૂરો-કમિશન એજન્ટો ભોગ બન્યા છે, હરરાજીમાં ૧ાા થી ર હજાર લોકો આવે છે, તો આખા દિવસ દરમિયાન ૮ થી ૧૦ હજાર લોકો આવતા હોય, તેમજ માસ્કના નિયમોનો ઉલાળીયો, સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ, સેનેટાઇઝની કોઇ વ્યવસ્થા નહિ, આ બધુ જોતા યાર્ડ અર્ધો દિવસ બંધ કરી દેવાની અને બીજી સુચના ન અપાય ત્યાં સુધી આ નિયમ ચાલુ રહેવાની જાહેરાત કરાઇ છે.

ખાસ કરીને ફેરીયાઓ સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવી ગયા છે, સંક્રમણ  ખૂબ વધી જતા હવે શાકભાજી યાર્ડ સવારે ૬ થી બપોરે ર સુધી જ ચાલુ રહેશે, અર્ધો દિવસનું  લોકડાઉન લગાવી દેવાયું છે, ૪૦૦ દુકાનોના શટર બપોરે ર વાગ્યે પડી જશે તેમ અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે. યાર્ડના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે, ગયા વર્ષે કોરોના હોવા છતાં ચાલુ રખાયેલ, રાત્રે પણ ત્યારે યાર્ડ ચાલુ રખાયું હતું.

(3:59 pm IST)