રાજકોટ
News of Thursday, 6th May 2021

મીની લોકડાઉન ૧રમી સુધી લંબાવાયું: કલેકટરનું જાહેરનામું

માત્ર આવશ્યક ચીજ-વસ્તુની દુકાનો ચાલુઃ રાત્રી કર્ફયુ યથાવતઃ ૧૪૪મી કલમ યથાવતઃ નિયમભંગ સામે કાર્યવાહીનાં આદેશો કરતાં રેમ્યા મોહન

રાજકોટ તા. ૬: રાજય સરકારે ર૯ શહેરોમાં લાગુ કરેલ મીની લોકડાઉનને આજે તા. ૬ થી તા. ૧ર મે સુધી લંબાવ્યું છે ત્યારે જીલ્લા કલેકટર રેમ્યા મોહને સરકારનાં આ નિર્ણયનાં અનુસંધાને મીની લોકડાઉનનાં નિયમો અંગે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે, હું રેમ્યા મોહન જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટ, ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯પ૧ની કલમ-૩૭(૪), ૪૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ર૦૦પ ની કલમ-૩૪ ની રૂએ ફરમાવું છું કે, સક્ષમ સતાધિકારીશ્રીની પુર્વ પરવાનગી વગર અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહિં. જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીશ્રીની પુર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહિં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહિં.

કોરોનાં વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઇપણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર, શેરી બંધ ગલીઓમાં કે એવા કોઇપણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહિં. કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહિં.

કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ નિયત કરવામાં આવેલ SOP નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ અને અન્ય મનોરંજક સ્થળો બંધ રહેશે.

માર્કેટયાર્ડમાં ફકત શાકભાજી તથા ફળફળાદીનું જ ખરીદ વેચાણ થઇ શકશે. તે દરમિયાન કોવીડ-૧૯ સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહતમ પ૦ (પચાસ) વ્યકિતઓની મંજુરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ ર૦ (વીસ) વ્યકિતઓની મંજુરી રહેશે.

સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક ફાઇનાન્સ ટીચ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહિં.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/સંકુલોમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિકસ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પુજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પુજારીશ્રીઓ દ્વારાજ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહતમ પ૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

તમામ ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેર સ્થળોએ તમામ વ્યીકતઓએ ઓછામાં ઓછું ૬ ફુટનું અંતર (દો ગઝ કી દુરી) જાળવવાનું રહેશે. જે તે જિલ્લામાં સક્ષમ અધિકારી દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારીઓ/કામદારો આવી/જઇ શકશે નહીં.

કોઇપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારના મીડીયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે અને આ હુકમની અમલદારી આજે તા. ૬ મે થી તા. ૧ર મે સુધી રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદે ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ-૧૭, ૧૮ તથા ૧૯ થી મળેલ સતાની રૂએ અધિકૃત કરવામાં આવે છે.

(3:56 pm IST)