રાજકોટ
News of Thursday, 6th May 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ૬ સ્થળે ઓકસીજન પ્લાન્ટ નખાશેઃ રેમ્યા મોહન

બે પ્લાન્ટ તો ૮ થી ૧૦ દિવસમાં બની જવાનો નિર્દેશઃ બે ધારાસભ્યોએ પોતાની ગ્રાંટમાંથી ૪૦ લાખ ફાળવ્યાઃ પત્રકારો સાથે વાતચીત : કોર્પોરેટ સેકટરમાંથી સીબીઆઇ-લીડ બેંક દ્વારા ૩૮ લાખ અપાશેઃ જયારે જીલ્લામાં ડીઆરડીઓ રાજકોટની પદ્મકુંવરબા હોસ્પીટલ-ઉપલેટા-ધોરાજી-જસદણમાં પ્લાન્ટ નાંખશે

રાજકોટ, તા., ૬: રાજકોટ શહેર જીલ્લામાં ૬ સ્થળે ઓકસીજન પ્લાન્ટ નખાશે તેમ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરશ્રી રેમ્યા મોહને જાહેરાત કરી હતી. તેમણે જણાવેલ કે તમામ ૬ સ્થળે સરકારી પ્રિમાઇસીસ એટલે કે સરકારી હોસ્પીટલો જ રહેશે. આમા બે મોટા અને મહત્વના પ્લાન્ટ તો રાજકોટમાં  રહેશે.

તેમણે જણાવેલ કે રાજકોટના ધારાસભ્યો શ્રી ગોવીંદભાઇ પટેલ અને અરવિંદભાઇ રૈયાણીએ પોતાની ગ્રાન્ટમાંથી ૪૦ લાખ ફાળવી દીધા છે. આ પ્લાન્ટ ઉભો કરવા અંગે રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને કલેકટર તંત્ર સંયુકત રીતે કાર્યવાહી કરશે. જયારે કોર્પોરેટર સેકટર એટલે કે પ્રાયવેટ ક્ષેત્રમાંથી પણ પ્લાન્ટ ઉભો થશે. જેમાં એસબીઆઇ અને લીડ બેન્કના અધિકારીઓ દ્વારા ૩૮ લાખ આપવાની જાહેરાત કરાઇ છે. ઉપરોકત બંને સ્થળે ૮ થી ૧૦ દિવસમાં જ કાર્યવાહી શરૂ થઇ જશે.

અન્ય ૪ પ્લાન્ટ અંગે તેમણે જણાવેલ કે ડીઆરડીઓ દ્વારા આ માટે ડાયરેકટ પ્લાનીંગ થયું છે. ૪ જગ્યા પસંદ કરી લેવાઇ છે. કેન્દ્રનો આ પ્રોજેકટ છે. કલેકટર તંત્ર મંજુરી આપી દેશે. જેમાં રાજકોટ પદ્મકુંવરબા હોસ્પીટલ, ઉપલેટા-ધોરાજી અને જસદણના આરોગ્ય કેન્દ્રમાં પ્લાન્ટ ઉભા કરાશે. આ ચારેયનું ફાઉન્ડેશન અને સિવિલ વર્ક નેશનલ  હાઇવે ઓથોરીટી દ્વારા કરાશે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાજકોટ કોવીડ અંગે નોડલ ઓફીસર ડો.રાહુલ ગુપ્તા અને એડીશ્નલ કલેકટર શ્રી પરીમલ પંડયા ખાસ ઉપસ્થિત રહયા હતા.

(3:52 pm IST)