રાજકોટ
News of Thursday, 6th May 2021

કાલે સ્ટેન્ડીંગ કમિટિમાં ૩૯ દરખાસ્તોનો થશે નિર્ણય

મનપાની મિલ્કતોની સફાઇના ખાનગી કોન્ટ્રાકટ અપાશે

ફાયર બ્રિગેડ માટે વિવિધ સાધનો ખરીદવા હવેથી રેઇટ - કોન્ટ્રાકટ : શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓને મ.ન.પા.ના લોગોવાળા જીન્શ પેન્ટ અને ટી-શર્ટનો ડ્રેસ અપાશે

રાજકોટ તા. ૬ : હવેથી મ.ન.પા.ની મિલ્કતો જેવી કે ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, શાક માર્કેટો વગેરેમાં સફાઇ માટે ખાનગી કોન્ટ્રાકટ આપનાર છે. તેના સહિત ૩૯ જેટલી દરખાસ્તો અંગે આવતીકાલે તા. ૭ના બપોરે ૧૨ વાગ્યે મળનાર ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણયો લેવાનાર છે.

આ અંગે ચેરમેનશ્રીએ પ્રસિધ્ધ કરેલ એજન્ડામાં જણાવાયું છે કે મ.ન.પા.ના એસ્ટેટ વિભા હસ્તકની તમામ મિલ્કતો જેવી કે કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ, શાકમાર્કેટો, હોકર્સ ઝોન વગેરેમાં હાલમાં મ.ન.પા.ના સફાઇ કામદારો દ્વારા સફાઇ થઇ રહી છે પરંતુ હવેથી આવી તમામ મિલ્કતોમાં પાર્ટટાઇમ સફાઇ કામદારોનો ખાનગી કોન્ટ્રાકટ અપાશે. કેમકે સ્ટાફના અભાવે કેટલાક સ્થળોએ નિયમીત સફાઇ થતી નહી હોવાની ફરિયાદો ઉઠી છે. આથી ખાનગી કોન્ટ્રાકટ મારફત હવે આવી મિલ્કતોમાં સફાઇ કરાવાશે. જેનો કોન્ટ્રાકટ પ્રતિદિન કામદાર દીઠ રોજના રૂ. ૨૧૭ લેખે ચુકવવા કોન્ટ્રાકટની દરખાસ્ત છે. ૪૬ સફાઇ કામદારો દ્વારા ૧૨થી વધુ સ્થળોએ સફાઇ થશે. જેનો વાર્ષિક ખર્ચ અંદાજે ૩૬ લાખનો થશે.

આ ઉપરાંત હાઇકોર્ટે આપેલ નિર્દેશ મુજબ ફાયર બ્રિગેડ માટે જરૂરી સાધનો જેવા કે હોસ પાઇપ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, ટૂલ્સ, વાલ્વ વગેરેની ખરીદી માટેનો રેઇટ કોન્ટ્રાકટ પાવર સેલ્સ એજન્સી પાસેથી મૂળ ભાવથી ૫ ટકા ઓછા ભાવે આપવાની દરખાસ્ત છે.

આ ઉપરાંત મ.ન.પા.ની શિક્ષણ સમિતિની સ્કુલોના વિદ્યાર્થીઓ માટે ડેનીમ જીન્શ પેન્ટ અને ટી-શર્ટ તથા બુટ-મોજા બે-બે જોડી આપવા માટે કુલ ૨૮૦૦ જોડી યુનિફોર્મ ખરીદવાનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આદિનાથ એન્ટરપ્રાઇઝને આપવાનો રેઇટ કોન્ટ્રાકટ દરખાસ્તનો નિર્ણય લેવાશે. જેનો વાર્ષિક અંદાજે ૨૫ લાખ જેટલો થશે.

આ ઉપરાંત ખાનગી હોર્ડીંગ્સ બોર્ડના નિયમો નક્કી કરવા નટરાજનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને પ્રતિ ચો.મી.ના ૮૦૦ લેખે ૫૦૦ ચો.મી. જમીન, ગુરૂકુળ પમ્પીંગ સ્ટેશનમાં રૂ. ૭૪.૧૦ લાખના ખર્ચે નવી કવોલિટી કન્ટ્રોલ લેબ બનાવવા, વોર્ડ નં. ૪, ૧૧ના વિસ્તારોમાં ડી.આઇ. પાઇપ લાઇન નાખવા સહિતના વિકાસ કામોનો નિર્ણય લેવાશે.

રાજકોટ : આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટિમાં સદરમાં આવેલ કતલખાનામાં અત્યાધુનિક સુવિધાઓ સાથે રિનોવેશન માટે રૂ. ૨૨ લાખનો ખર્ચ મંજુર થશે.

(3:51 pm IST)