રાજકોટ
News of Thursday, 6th May 2021

ગુજરાતમાં કોરોના ગ્રસ્ત લોકોને અપૂરતી આરોગ્ય સારવાર મળે છે તેનો વિરોધ કેમ નહી ? મનીષાબા

ઘરમાં 'ઘા' આવ્યો ત્યારેજ ભા.જ.પ.ને લોકતંત્ર યાદ આવ્યું? : ધરણાની મનાઇ છે છતાં રાજકોટમાં વોર્ડે વોર્ડે ધરણા કરનાર ભા.જ.પ. કાર્યકરોની ધરપકડ કેમ નહી ? શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખનો આક્રોશ

રાજકોટ તા. ૬ : આજે પશ્ચિમ-બંગાળની ચૂંટણીમાં થયેલ હીંસા સામે વિરોધ દર્શાવવા આજે શહેર ભા.જ.પ. દ્વારા દરેક વોર્ડમાં ધરણા, પ્રદર્શન યોજવામાં આવ્યા તેના વિરોધમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ એક નિવેદનમાં આક્રોશભેર જણાવ્યું છે કે ભા.જ.પ.ના ઘરમાં ''ઘા'' આવ્યો ત્યારેજ શાશકોને લોકતંત્ર યાદ આવ્યું છે. ત્યારે હાલમાં કોરોના મહામારીમાં અપુરતી આરોગ્ય સુવિધાને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

તેના વિરોધમાં ધરણા કેમ યોજાતા નથી ?

આ નિવેદનમાં મનીષાબા વાળાએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે હાલ રાજકોટ શહેરમાં કોરોના વાઇરસમાં લોકો તડપી રહ્યા છે. જીંદગી અને મોત વચ્ચે લડાઇ લડી રહ્યા છે. ત્યારે ભા.જ.પ.ને લોકતંત્ર યાદ નથી આવતું અત્યારે ચિંતા ગુજરાતની જનતાની કરવાની હોય ત્યારે પશ્ચિમ-બંગાળની કારમી હારનું ઠિકરૂ રાજકોટમાં ફોડીને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સતામાં હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવા મજબુર રાજકોટ શહેર ભા.જ.પ. દ્વારા સમગ્ર રાજકોટમાં વોર્ડ દીઠ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મનિષાબાએ વધુમાં જણાવેલ કે માનવતાની દ્રષ્ટીએ અમને પણ પશ્ચિમ-બંગાળમાં થઇ રહેલ હિંસા બાબતે ખુબજ દુઃખ છે પણ જયારે ઘરમાં ઘા આવે ત્યારે જ કેમ ભા.જ.પ.ને લોકતંત્ર યાદ આવે છે ? ગુજરાતના દરેક મતદારોએ ભા.જ.પ.ને ખોબલે ખોબલે મત આપીને સત્તાધારી પક્ષમાં બેસાડયા છે તો હાલ ગુજરાતમાં કોરાનાં ગ્રસ્ત લોકો માટે લોકતંત્ર ભા.જ.પ.ને યાદ નથી રહ્યું ? શું દરેક લોકોના આરોગ્યની સુવિધાઓ લોકતંત્રનો લાભ નથી ?

તેઓએ આક્ષેપ કર્યો છે કે  રાજકોટ શહેર પોલીસ જે રીતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરોને ધરણા વિરોધ પ્રદર્શનમાંથી ટિંગાટોડી કરીને અધ વચ્ચે કાર્યક્રમ અટકાવીને ધરપકડ કરીને અટકાયત કરે છે. એવી રીતે આજે રાજકોટ શહેર ભાજપના તમામ હોદ્દેદારો આગેવાનો કાર્યકરોની ધરપકડ કરીને અટકાયતી પગલા સાથે કાયદેસરની કાર્યવાહી કેમ હાથ ધરવામાં આવી નહી ? લોકતંત્રમાં નિયમો બધા માટે સરખા હોય તેમ અંતમાં મનીષાબાએ જણાવેલ.

(3:10 pm IST)