રાજકોટ
News of Thursday, 6th May 2021

પ્રદ્યુમનપાર્ક 'ઝૂ'ના તમામ પ્રાણીઓની તબિયત ટનાટન : તબીબી ચકાસણીમાં સબ સલામત

હૈદ્રાબાદ 'ઝૂ' માં સિંહોને કોરોના થયા બાદ તંત્ર સાબદુ : તમામ પીંજરાઓમાં નિયમિત ડીસઇન્ફેકશન અને સેનીટાઇઝેશનની કામગીરી

રાજકોટ, તા. ૬ : હૈદ્રાબાદનાં 'ઝૂ'માં સિંહોને કોરોના પોઝીટીવ આપતાં રાજકોટ મ.ન.પા.ના પ્રધ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં તમામ પ્રાણીઓની ચકાસણી ર૮ માણસોની ટીમ દ્વારા કરાયેલ જેમાં સબસલામત હોવાનું ખુલતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

કોઇ પ્રાણીમાં અજુગતા લક્ષણો નથીઃ નિયમિત કરાતું સેનીટાઇઝેશન

હૈદ્રાબાદ 'ઝૂ'માં સિંહમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ દેશના જુદા જુદા રાજયોમાં સરકારી 'ઝૂ' પર તંત્રએ સરકારની સુચનાથી વોચ ગોઠવી છે. રાજકોટ મહાપાલિકા હસ્તકના પ્રદ્યુમન પાર્ક 'ઝૂ'માં પણ સત્તાધીશો દ્વારા પ્રાણીઓની તબીયતનું ઓબ્વેશન શરૂ કરવામાં આવ્યું છે . પ્રદ્યુમન પાર્કમાં ૪૫૦ જેટલા પ્રાણીઓ છે . જુદી જુદી જાતના પક્ષીઓ પણ વસવાટ કરે છે. સિંહ, વાઘ, દિપડા, મગર, ચિત્તલ, વાનર સહિતની પ્રજાતિ અહીં છે. પરંતુ લોકડાઉનમાં આ તમામ ઉદ્યાનો બંધ કરી દેવામાં આવતા પ્રાણીઓ લોકોના સંપર્કમાં ન આવવાથી સલામત છે.  છતાં હૈદ્રાબાદની ઘટના જોતા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રાણીઓ સહી સલામત છે. ર૮ કર્મચારીઓના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જુદા જુદા પાંજરામાં નિયમિત રીતે સેનીટાઇઝેશન અને ડિસઇન્વેકશનની કામગીરી કરવામાં આવતી હોવાનું ઝુ સુપ્રિ. ડો . આર . કે . હિરપરાએ જણાવ્યું હતું.

(2:59 pm IST)