રાજકોટ
News of Thursday, 6th May 2021

કોરોનાગ્રસ્તોમાં મ્યુકોરમાયોસીસનો ભયંકર ભરડો

કોરોના મહામારીમાંથી બહાર નીકળતા જ નાક અને સાયનસની ઝેરી ફુગનો મોટા પાયે જોવા મળી રહેલ ચેપ : મ્યુકોરમાયક્રોસીસના ૨૫ કેસમાંથી ૧૦ થી ૧૨ દર્દીઓને દ્રષ્ટિવિહિનતા સાથે આંખની પાંપણ ઢળી જવી, આંખનો ડોળો બહાર આવી જવો અને આંખનો ડોળો ફરતો બંધ જઇ જવો. : દર ૨૫માંથી ૨ થી ૫ દર્દીઓને મગજ સુધી ફુગનું સંક્રમણ થવાથી મૃત્યુ નિશ્ચિત : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મ્યુકોર માયક્રોસીસનાં ૨૦૦થી પણ વધુ દર્દીઓનો રાજકોટ તરફ ધસારો : સારવારમાં લેવાતી એનટીફંગલ ડ્રગ્સની અછત અને રાજકોટની નોન કોવિડ હોસ્પિટલમાં પથારી ન મળવાની : પરિસ્થિતિએ બનાવી મ્યુકરમાઇક્રોસીસની સારવાર વધુ વિકટ : મ્યુકરમાયક્રોસીસની સર્જરી કરતા તબીબો પાસે ૩૦ થી ૩૫ ઓપરેશન માટેનું વેઇટીંગ લીસ્ટ

રાજકોટ અત્યારે કોરોના સામે ઝઝુમી રહ્યું છે, આ વિકટ પરિસ્થિતિમાં રેપીડ એન્ટીજન કીટની અછતથી લઇને ઓકસીજનની તંગી સામે ઝઝુમી રહ્યા છીએ. ઓકસીજનવાળા બેડ, વેન્ટીલેટર અને બાઇપેય મશીનની ઉપલબ્ધિ તો લગભગ અશકય જ છે. તેમજ ફેબીફલુ ટેબ્લેટથી લઇને રેમડેસીવીર ઇન્જેકશનની તંગીમાં અથડાતો, અફડાતો દર્દી જ્યારે કોરોનાને માત આપીને નિરાંતનો શ્વાસ લેતો હોય છે ત્યારે કોરોનાથી અનેક ગણો મૃત્યુદર ધરાવતો અને કોરોનાથી પણ વિશેષ ખર્ચાળ સારવાર છે, તેવો આફતના પહાડ સમાન નાક અને સાયનસની મ્યુકોર માયકોસીસ ઝેરી ફુગ નામનો રોગ તુટી પડયો છે.

કોરોના બિમારી જ્યારે આવે છે ત્યારે આ અફડાતફડીના માહોલમાં દર્દીઓની સારવારમાં જાણે-અજાણે ઘણી બધી ગફલત રહેવા પામે છે. આ પૈકીની બ્લડ-સુગરની અનિયમિતતા, ડાયાબિટીસ હોવું એની અજાણતા સ્ટીરોઇડની અણધડ, વધારે પડતો ઉપયોગ, રોગપ્રતિકારક શકિતને ડામી દેતી દવાઓ વગેરેને કારણે સામાન્ય મનુષ્યના નાક અને શ્વાસનળીમાં પ્રવેશતી અને રહેતી ફુગના સુક્ષ્મ કણો અચાનક જ માંસપેશીઓમાં આક્રમકતાથી પ્રવેશ કરે છે અને બાદમાં નાક, નાકની આજુબાજુના હાડકાઓ, માંસપેશીઓ, જડબા, તાળવાનાં સ્નાયુથી લઇને આંખ અને મગજ સુધી ઘુષણખોરી કરે છે.

આવા દર્દીઓની હાલત ગંભીરથી અતિગંભીર થવાની સાથે માથાનો અસહ્ય દુઃખાવામાં પરિણમે છે.

સામાન્ય સંજોગોમાં કોરોના બિમારી મૃત્યુદર ૨ થી ૫ ટકા જેવો હોય છે પરંતુ મ્યુકોર માયકોસીસ રોગમાં મૃત્યુદર ૨૦થી ૩૦ ટકાથી લઇને અમુક કેસમાં ૧૦૦ ટકા હોય છે. કોરોના બિમારીમાં આવતો આર્થિક બોજો મ્યુકોર માયક્રોસીસની સારવારમાં આવતા ખર્ચાની સરખામણીમાં સાવ મામૂલી હોય છે. માર્ચ મહિનાના અંતથી મ્યુકોર માયક્રોસીસનાં કેસીસમાં દિન-પ્રતિદિન ખૂબ ઝડપી વધારો થઇ રહ્યો છે. આ ઝડપી વધારાથી રાજકોટના મ્યુકોર માયક્રોસીસની સારવાર કરતા ઇએનટી સર્જન અને તેમની સંલગ્ન બ્રાંચના ડોકટરોને ઊંડી ચિંતામાં ગરકાવ કરી દીધેલ છે.

ડો. ભરત કાકડીયા કે જેઓ ૩૦થી પણ વધારે વર્ષોથી કાન-નાક-ગળાના નિષ્ણાંત સર્જન છે અને ગુજરાત રાજયના ENT સર્જન એસોસીયેશના પુર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ઉપરાંત, ગુજરાત રાજયના IMA ના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકોટ શાખાના પૂર્વ પ્રમુખ આ વિષય ઉપર વ્યથા ઠાલવતા જણાવે છે. તબીબ વ્યવસાયના આટલા કેરિયરમાં આવી ખોફનાક અને નિસહાય પરિસ્થિતિ કયારેય અનુભવેલ નથી.

એક કિસ્સો વર્ણવતા દુઃખની લાગણી સાથે તેઓએ જણાવેલ હાલમાં જ એક યુવાન કે જે મેડિકલ રિપ્રેજેન્ટેટીવ તરીકે કામ કરતા અને સુખી સંપન્ન સોની સમાજનો આ યુવાન ફકત ર૯ વર્ષની ઉંમર સાથે કોરોનાના દસમાં દિવસ સુધી હોમ આઇસોલેટ હતા. અને અચાનક જ ઓકિસજન લેવલ ઘટતા દાખલ થયો. ત્રણેક દિવસ બાદ હોસ્પિટલની સારવાર સાથે તેનું સુગર ૪૦૦ થી પણ ઉપર કોઇપણ જાતની ડાયાબિટીસની પૂર્વ બિમારી વગર જાણવા મળ્યું બપોર પછીના સમયે આંખ થોડી દુઃખતી, સામાન્ય પાણી આવવાની સાથે મોડીસાંજે એક આંખે દેખાવાનું બંધ થઇ ગયું. તાત્કાલિક વોકહાર્ટ હોસ્પીટલમાં મોડી રાતના જ સીફટ કરવામાં આવ્યા બાદ વહેલી સવારના મને ફોન આવેલો હોસ્પિટલમાં તમામ રીપોર્ટ અને જાણકારી મેળવીયે ત્યા તો બીજી આંખનું પણ વિઝન જતુ રહ્યું તાત્કાલીક ઓપરેશન કરી  શકયા પણ ત્યા સુધીમાં ઝેરી ફુગ મ્યુકરમાયકોસીસ અમારીથી વધારે ઝડપથી મગજ સુધી પહોંચી જતા અમોને આ જુવાનજોધ દર્દીને ગુમાવવાનો અફસોસ કાયમી રહેશે.

ડો. ભરત કાકડીયાએ જણાવ્યા પ્રમાણે તેમના ૩૦ વર્ષની કારકિદિમાં જેટલા મ્યુકરમાયફોસીસના કેસની સારવાર નથી કરી તેટલા તેઓએ છેલ્લા ૩૦ દિવસમાં કરેલા છે.

   મો પર સોજો આવવો

   નાક બંધ થઇ જવુ કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, માથાનો અસહ્ય દુઃખાવો અને કયારેય ન અનુભવાઇ હોય તેવી અને સતત ચાલુ રહે તેવી.

   નાક અને આંખની આજુબાજુ ચામડી કાળી થવી.

   નાક અને મો માંથી પીળા કલરનું ઘટ્ટ પ્રવાહી તથા લોહી નીકળવું.

   ફેફસાના ઇન્ફેકશનમાં તાવ, ખાંસી, છાતીનો દુઃખાવો કે હાંફ ચડવો.

.   નિયમિતપણે બ્લડ, સુગર ચેકીંગ કરાવવુ અને કોઈપણ સંજોગોમાં સુગરનું પ્રમાણ ૨૦૦થી વધુ ન થાય તેની સાવચેતી રાખવી અને ૨૦૦થી વધુ ઉપર જાય તો સારવાર કરતા તબીબે ઈન્સ્યુલીનથી સારવાર કરાવવાનો આગ્રહ રાખવો.

.   બીમારી દરમ્યાન સ્ટીરોઈડ નામની દવાનો ઉપયોગ શકય એટલી ઓછી માત્રામાં તેમજ ઓછા દિવસો માટે થાય તે ઈચ્છનીય છે. ખાસ કરીને ઈન્જેકશનથી અપાતા સ્ટીરોઈડને ડોકટરના અભિપ્રાય બાદ જ જરૂર જણાય તો લેવા.

.   નાકને અવારનવાર વારંવાર સાફ કરતા રહેવુ, સતત ચોખ્ખા માસ્ક પહેરતા રહેવું.

.   નાકની સફાઈ માટેની વૈદિક જલનિતી ક્રિયા દિવસમાં બે વાર કરવી.

.   કોરોના બિમારીના સમયગાળામાં નાક બાઝી જવુ, નાકમાંથી પાણી નિકળ્યા કરવું, શરદી થવી વિગેરે ચિહ્નોને અવગણવા નહીં.

ડો. ભરત કાકડીયા સિનીયર   ENT સર્જન જણાવે છે કે, કોરોનાના પહેલા વેવ કરતા બીજા વેવમાં રાજકોટમાં નોંધાતા પોઝીટીવ કેસની સંખ્યા ૮ થી ૧૦ ગણી વિશેષ છે. પ્રથમ વેવ વખતે મ્યુકોર માયક્રોસીસના કેસ જોવા મળતા પરંતુ બીજા વેવમાં મ્યુકોર માયકોસીસ કેસનો રાજકોટમાં જાણે વિસ્ફોટ થયો છે.

પરિસ્થિતિને ધ્યાનમાં લઇને એપ્રિલ મહિનાના મધ્યભાગથી ડો. ભરત કાકડીયાએ શહેરનાં મ્યુકોર માયકોસીસ રોગની સારવાર કરતા ડો. યશ પંડયા, ડો. ઉમંગ શુકલા, ડો. અલ્પેશ ફેફર, ડો. ડેનીશ આરદેશણા અને ડો. આલાપ શાહને સાથે રાખીને મ્યુકોર માયકોસીસનાં દર્દીઓને પધ્ધતિસર ઝડપી સારવાર આપી શકાય. તે માટે એક ગ્રુપની રચના કરવામાં આવી મ્યુકોર માયકોસીસ ઓપરેટીંગ કોર ગ્રુપ (MOCG)

હાલમાં આ સ્પેશીયલ મ્યુકર માયકોસીસ સામે લડતા ગ્રુપમાં પ૦ થી વધુ મ્યુકોર માયકોસીસનાં દર્દીઓ રોજ સારવાર, નિદાન અને માર્ગદર્શન માટે આવી રહ્યા છે. અને ડો. ભરત કાકડીયાએ જણાવ્યા મુજબ મ્યુકોર માયકોસીસના વધતા કેસને અટકાવવા માટે કોરોનાની સારવાર કરતા તમામ ડોકટરોને વિશેષ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવે છે.

ઉપરોકત પ્લેટફોર્મ નીચે ડો. ભરત કાકડીયા, પૂર્વ પ્રમુખ આઈ.એમ.એ.-રાજકોટ, ડો. યશ પંડયા skull base સર્જન, ડો. અલ્પેશ ફેફર, ડો. ડેનિશ endoscopic sinus સર્જન અને ડો. આલાપ શાહ ઈએનટી સર્જનની સાથોસાથ આંખના નિષ્ણાંત સર્જન ડો. બકુલ વ્યાસ oculoplastic સર્જન તેમજ ડો. કમલેશ કાલરીયા આંખના નિષ્ણાંત સર્જન જોડાયેલા છે.

આ ઉપરાંત ઈન્ફેકશન અને રોગના નિષ્ણાંત રોગના નિષ્ણાંત ડોકટરો, માઈક્રોબાયોલોજિસ્ટ, રેડિયોલોજીસ્ટ ડો. જય છત્રોલા અને ડો. વિજય કરૂર મેડીકલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે.

આ વિશિષ્ટ ગ્રુપ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રાફડાની માફક ફાટી નીકળેલા મ્યુકોર માયક્રોસીસ કેસનું ઝડપી, સરળ નિદાન, સારવાર અને રિસર્ચ સહિતનો અભ્યાસ કરવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યુ છે.

ડો. ભરત કાકડીયા

+ 91 98242 93010

(2:02 pm IST)