રાજકોટ
News of Thursday, 6th May 2021

લગ્નના પાંચ જ મહિના બાદ જ્યોતિને ત્રાસઃ શંકા કરી સગર્ભા હાલતમાં કાઢી મુકાઇ

ગોકુલધામ કવાર્ટરમાં રહેતાં માવતરને ફોન કરી વાત કરતી તો સાસુ કહેતાં-તારે બીજા સાથે આડા સંબંધ છેઃ મારૂતિનગર હેડકવાર્ટરમાં રહેતાં પતિ, સાસુ, જેઠ-જેઠાણી સામે ફરિયાદ

રાજકોટ તા. ૬: મારૂતિનગર પોલીસ હેડકવાર્ટરમાં સાસરૂ ધરાવતી અને હાલ ગોકુલધામ કવાર્ટરમાં માવતરે રહેતી સગર્ભા પરિણિતાએ પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ કરી છે. લગ્નના પાંચ જ મહિના પછી સાસુએ તું ફોનમાં માવતરે નહિ પણ બીજા સાથે વાત કરે છે, તારે આડા સંબંધ છે તેમ કહી ખોટા આરોપ મુકી ત્રાસ ગુજાર્યાનું અને પતિ, જેઠ, જેઠાણીએ પણ સાસુનો સાથ આપી છેલ્લે પોતાને માનસિક ટોર્ચર કરી સગર્ભા હાલતમાં જ કાઢી મુકયાના આક્ષેપો ફરિયાદમાં થયા છે.

આ અંગે પોલીસે હાલ ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૪૬ રૂમ નં. ૧૮૪૦માં રહેતી જ્યોતિબેન પરેશ સોલંકી (ઉ.૩૦)ની ફરિયાદ પરથી મારૂતિનગર પોલીસ હેડકવાર્ટર બ્લોક નં. ૧૦ રૂમ નં. ૧૫૪માં રહેતાં પતિ પરેશ વિનોદભાઇ સોલંકી, સાસુ સરલાબેન, જેઠ વિલેશભાઇ અને જેઠાણી મિતલબેન સામે આઇપીસી ૪૯૮ (ક), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જ્યોતિબેને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન એક વર્ષ પહેલા અમારી જ્ઞાતિના વિનોદભાઇના દિકરા પરેશ સાથે થયા છે. હાલમાં મારા પેટમાં ચાર માસનો ગર્ભ છે અને એક મહિનાથી હું માવતરે રહુ છું. લગ્ન બાદ પતિ-પત્નિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી બધા સંયુકત પરિવારમાં રહેતાં હતાં. પાંચેક મહિના સંસાર સારી રીતે ચાલ્યો હતો. એ પછી સસરા ઓફ થઇ ગયા હતાં. સાસુએ મારા પર માનસિક ટોર્ચર ચાલુ કર્યુ હતું. હું માવતરે ફોન કરું  તો કહેતાં કે 'તું આખો દિવસ મોબાઇલ ફોનમાં વાત કર્યા કરે છે, તારે બીજા કોઇ સાથે આડા સંબંધ છે' આવી ખોટી શંકા કરી આરોપ નાંખ્યા હતાં. મારા પતિને વાત કરતાં તેણે પણ સાસુનો સાથ આપ્યો હતો.

અવાર-નવાર સાસુ મને આ વાતને લીધે અને ઘરકામ જેવી વાતે ટોર્ચર કરતાં હતાં. પતિને પણ ખોટી ચઢામણી કરતાં તે મને કહેતાં કે તારે તારા માવતરના ઘરે ફોન કરવો નહિ, કરવો હોય તો અમારી સામે જ કરવાનો. જેઠાણી પણ મેણા મારતાં હતાં. તે કહેતાં કે તારે તારા માવતરે વાત કરવાની શું જરૂર છે, હું પણ મારા માવતરે વાત નથી કરતી.

સંસાર ન બગડે એટલે હું સહન કરતી હતી. મને પતિ-સાસુએ ત્રણ-ચાર મહિના માવતરે પણ જવા દીધી નહોતી. હોળીનો તહેવાર કરવા ગઇ ત્યારે માવતરે પંદર દિવસ રોકાઇ હતી. પતિ ફોનમાં સરખી વાત કરતાં નહિ. વ્હોટ્સએપમાં મને કહેલું કે તું માતવરના ઘરેથી તારી રીતે આવતી રહેજે, હું તેડવા નહિ આવું. હું પ્રેગનન્ટ હોઉ તબિયત સારી ન હોવાથી એકલી સાસરે જઇ શકું તેવી હાલત ન હોઇ મારા પિતા બે દિવસ પછી મને મુકી ગયા હતાં. ત્યારે જેઠે મારા પિતા સાથે અસભ્ય વર્તન કર્યુ હતું. તેણે કહેલું કે પરેશ તમારી દિકરી સાથે વાત કરવા નથી માંગતો, જાતે સમજીને છુટાછેડા આપી દો. મારા પિતાએ પરેશને ફોન કરતાં તેણે ઉપાડ્યો નહોતો.

એ પછી મારા પિતા મને સાસરે મુકી જતાં રહ્યા હતાં. સાસુએ એ પછી કહેલું કે અમે તને તેડાવી નથી તો શું કામ આવી છો? અહિથી અત્યારે જ નીકળી જા...મેં ના પાડતાં ાગળો દઇ માનસ્કિ ટોર્ચર કરતાં હું નીકળી ગઇ હતી અને રસ્તામાં બેભાન થઇ પડી ગઇ હતી. એ પછી મારો ભાઇ મને તેડી ગયો હતો.

ત્યારથી હું માવતરે રહુ છું. પતિ-સાસરીયા તેડવા આવતાં નથી. પતિએ મને તેડી જવા માટે ફોન પણ કર્યો નથી. સમાધાનના પ્રયત્નો અમે સામેથી કર્યા પણ એ લોકો જવાબ આપતાં નથી. અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં જ્યોતિબેને જણાવતાં એએસઆઇ જે. જે. માઢકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)