રાજકોટ
News of Thursday, 6th May 2021

કોરોના દર્દીઓને તમામ સુવિધા આપોઃ NCPના મહિલા આગેવાન રેશ્મા પટેલ કલેકટર કચેરીએ દોડી આવતા પોલીસ સાથે ઝપાઝપીઃ અટકાયત

કુલ ૭ ની અટકાયતઃ ભાજપને કેમ ધરણા કરવાની મંજૂરી આપીઃ પોલીસે બળપૂર્વક બેસાડી દિધા... : જુનાગઢમાં આમરણાંત ઉપવાસની જાહેરાતઃ કાંઇ થાય કે મોત થાય તો જવાબદારી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી તથા રાજકોટ કલેકટરની રહેશે

એનસીપી ના ધરખમ મહિલા આગેવાન રેશ્મા પટેલ આજે પોતાના કાર્યકરો સાથે કલેકટરને આવેદન દેવા આવ્યા ત્યારે પોલીસે દરવાજા બંધ કરી જવા નહિ દેતા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ સાથે ભારે ચડભડ અને ઝપાઝપી થઇ હતી, બાદમાં પોલીસે અટકાયત કરી લીધી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ :.. રાજકોટ શહેર - જીલ્લામાં સીવીલ સહિતની સરકારી હોસ્પીટલમાં કોરોના દર્દીઓને દવા-વેન્ટીલેટર-ઓકસીજન-ઇન્જેકશનની પુરતી સુવિધા મળતી નથી, ગુજરાત સરકાર અને કલેકટર તંત્ર નિષ્ફળ ગયા છે, તાત્કાલીક દર્દીઓને સારવાર - સુવિધા આપોની માંગ સાથે કલેકટરને આવેદન આપવા ૬ થી ૭ કાર્યકરો - આગેવાનો સાથે એનસીપીના ધરખમ મહિલા આગેવાન રેશ્મા પટેલ દોડી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ રેશ્મા પટેલને જવા દિધા ન હતાં.

પોલીસે ના પાડતા રેશ્મા પટેલ અને હાજર રહેલ પોલીસ અધિકારી શ્રી ચાવડા  વચ્ચે ભારે ચણભણ થઇ હતી, શાબ્દિક ટપાટપી થઇ હતી, બોલાચાલી થઇ હતી, આ પછી હાજર રહેલ મહિલા પોલીસે રેશ્મા પટેલનું બળપૂર્વક બાવડુ ઝાલી અટકાયત કરી લેતા ભારે ઝપાઝપી થઇ હતી, રેશ્મા પટેલે દલિલો કરેલ કે ગઇકાલે ભાજપને કેમ ધરણા માટે છૂટ આપી હતી, આ વ્યાજબી નથી, ભાજપ હાય હાયના નારા લગાવાયા હતા, પોલીસે અગમચેતી રૂપે કયુઆરસી ગાડી પણ બોલાવી લીધી હતી, ૧પ થી ર૦ મીનીટ ભારે ગરમાગરમી સર્જાઇ હતી.

રેશ્મા પટેલ લઇ અપાયેલ આવેદનમાં માંગણી કરી હતી, રાજકોટ સીવીલમાં કોરોના દર્દીઓને વેઇટીંગમાં રહેવુ પડે છે, દર્દીઓ મીનીટોમાં જીવ ગુમાવે છે, રાજયમાં ૬ કરોડની વસતિ છે, અને સરકારી આંકડા જોતા વસ્તીના ૦.રપ ટકામાં પણ ભાગ નથી, તો મુખ્યમંત્રી કેમ પુરતી મેડીકલ વ્યવસ્થા પૂરી નથી કરી શકતાં.

તેમણે જણાવેલ કે રાજકોટ શહેર - જીલ્લામાં કોવીડ-૧૯ ની પુરતી સુવિધાઓ તાત્કાલીક ધોરણે નહિ અપાય તો રેશ્મા પટેલ તા. ૧૦ મે થી  જુનાગઢ સીવીલ ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન કરશે, અને પોતાને ઉપવાસ દરમિયાન કાંઇ પણ થાય, કે મોત થાય તો જવાબદાર ગુજરાત સરકાર, મુખ્યમંત્રીશ્રી અને રાજકોટ કલેકટર તથા ભારત સરકાર રહેશે.

રેશ્મા પટેલે રાજકોટ સીવીલ તથા જીલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો કે જે કોવીડ-સેન્ટરો છે ત્યાં પુરતો ઓકસીજન, બેડ, દવાઓ, પ્રાથમિક સુવિધાઓ તથા મેડીકલ સ્ટોરવાળા લોકો પાસેથી ઓકિસ મીટર-ઇન્જેકશન, દવાઓની કાળાબજારી કરે છે, એના માટે કડક પગલા ભરવા માંગણી કરી છે.

(3:00 pm IST)