રાજકોટ
News of Thursday, 6th May 2021

લોકડાઉનથી દૂર ભાગી રહેલા નેતાઓને ટોણો!

'લોકડાઉન' શબ્દથી તમને વાંધો હોય તો નામ બદલીને 'કમલમ કરફયુ' કરી દોઃ ડો. વસંત પટેલ

રાજયમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે ઘણા સમયથી લોકડાઉનની ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે. વેપારીઓ નિષ્ણાતો અને ડોકટરો કોરોના સંક્રમણની ચેનઇ તોડવા લોકડાઉનને જરૂરી ગણાવી રહ્યા છે. જો કે, સરકાર આ મામલે અવઢવને સ્થિતિમાં છે ત્યારે સિનિયર ડો. વસંત પટેલે આ મુદ્દે બરાબર ટોણો માર્યો છે.

તેમણે મુખ્યમંત્રીને લોકડાઉન કરવા અંગે વિનંતી કરી છે. ડો. વસંત પટેલ જ નહીં, અન્ય તબીબો પણ ગુજરાતમાં લોકડાઉનની માંગ કરી રહ્યાં છે. ડો. વસંત પટેલે જણાવ્યું છે કે, રાજયમાં અત્યારે લોકડાઉન જરૂરી બની ગયું છે. પરંતુ જાણે મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદના ગુમાવી હોય તેવું જણાઇ રહ્યું છે. જો સીએમને લોકડાઉન શબ્દથી વાંધો હોય તો નામ બદલી નાખો. લોકડાઉનનું નામકરણ કરી કમલમ કરફયુ કરી દો.

રાજયમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણથી સ્થિતિ ખૂબ વણસી રહી છે. દર્દીઓને હોસ્પિટલમાં પથારીઓ, પ્રાણરક્ષક ઇન્જેકશન અને ઓકિસજન સહિતની સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. રાજયમાં સર્જાયેલી આ પરિસ્થિતિને લઇ નિષ્ણાત તબીબો ફરીથી લોકડાઉન કરવાની માંગ કરી રહ્યા છે. જો કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મીડિયા સમક્ષ કહી ચૂકયા છે કે તેમની સરકાર લોકડાઉન લાદવાના પક્ષમાં નથી.

(11:45 am IST)