રાજકોટ
News of Monday, 6th April 2020

રાજકોટની ર૩ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર તમામ હોસ્પિટલોના આવા વોર્ડ તંત્ર હેઠળ કામ કરશે

સરકારની ખાનગી હોસ્પીટલનો કબજો લેવાની સૂચના બાદ કલેકટરની ''અકિલા'' સાથે વાતચીત : ક્રાઇસ્ટ હોસ્પિટલ આપણી પાસે છે : જરૂર પડયે બીજી લેવાશે : હાલ કબજો અન્ય હોસ્પિટલનો લેવાયો નથી : ગઇકાલે કેબીનેટ સેક્રેટરીને રાજકોટની સ્થિતિની વિગતો આપતા રેમ્યા મોહન

રાજકોટ, તા. ૬ :  રાજય સરકારે દરેક કલેટકર અને જવાબદાર અધિકારીઓને જેને શહેરની મોટી ખાનગી હોસ્પિટલોનો કબજો લેવાની સુચના આપી છે, અને તે પ્રમાણે દરેક જીલ્લામાં કાર્યવાહી પણ શરૂ થઇ છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રૈમ્યા મોહને આજે બપોરે ૧ાા વાગ્યે ''અકિલા'' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે ત્યાં પ્રથમથી જ આ પ્રકારની કાર્યવાહી થઇ છે. સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રપ૦ બેડ ઉપરાંત ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં પ૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર જ રખાયો છે, આ ઉપરાંત શહેરની અન્ય મોટી ર૩ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લેવાયા છે, અને અન્ય તમામ હોસ્પીટલમાં આવા આઇસોલેેશન વોર્ડ કલેકટર તંત્રની હેઠળ જ કામ કરશે, આ મુજબની દરેક હોસ્પીટલના ડોકટરને સુચના અપાઇ છે, અને ડોકટરનો સહકાર પણ સારો છે. તેમણે જણાવેલ કે ક્રાઇસ્ટમાં પ૦ બેડ ફુલ થાય તો અન્ય બીજી હોસ્પીટલનો આઇસોલેશન વોર્ડ ઉપયોગમાં લેવાશે, હાલ કબજો અન્ય કોઇ હોસ્પિટલનો લેવાયો નથી.

દરમિયાન ગઇકાલે કેન્દ્રના કેબીનેટ સેક્રેટરીની દેશભરના કલેકટરો સાથે મેડીકલ સુવિધા- દરેક જિલ્લાની સ્થિતિ અંગે ખાસ  વીસી હતી, સવારે ૧૦ થી બપોરે ર સુધી ચાલેલ આ વીસીમાં કલેકટરે રાજકોટની સ્થિતિની તમામ વિગતો પણ આપી હતી.

કેરલમાં કલકેટર દ્વારા કોરોના બાદ હોમકોરોન્ટાઇન બાબતે અતિ કડક પગલા લીધા તેની દેશ લેવલે નોંધ લેવાઇ છે, અને તેનું પ્રેઝન્ટેશન પણ દેખાડાયું હતું, તે નોંધનીય બાબત છે.

દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલનો કબજો લેવા બાબતે રાજકોટ ખાસ મુકાયેલા સ્પે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો. રાહુલ ગુપ્તાનો આ બાબતે સંપર્ક કરતા તેઓનો કોન્ટેક થઇ શકયો ન હતો, એમનાં મોબાઇલ સતત રીંગ વગાડતો હતો.

(4:10 pm IST)