રાજકોટ
News of Monday, 6th March 2023

ખેત મજૂરની સગીર પુત્રીનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરવાના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવતી કોર્ટ

રાજકોટ તા. ૬ : અત્રે રૈયા વિસ્‍તારમાં મજૂર કામ કરતી સગીરા સાથે પરિચય કેળવી જુદી જુદી જગ્‍યાએ લઇ જઇને વારંવાર દુષ્‍કર્મ ગુજારવા અંગે પોકસો એકટનો ગુનામાં પકડાયેલ ગારીયાધારના અરવિંદ વિનુભાઇ ધોળકીયા સામેનો કેસ ચાલી જતાં અધિક સેસ. જજ શ્રી એ. પી. હિરપરાએ આરોપીને તકસીરવાન ઠરાવ્‍યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રૈયા વિસ્‍તારમાં મજૂરી કામ કરતાં અને મુળ બોટાદના વતની એવા ફરીયાદી પિતાની ૧૪ વર્ષની સગીર પુત્રનો પ્રથમ વખત રેસકોર્સમાં મળ્‍યા બાદ તેની સાથે પરિચય કેળવીને લગ્ન કરવાની લાલચ આપી ભાવનગર ચોકડીએ બોલાવી ત્‍યાંથી પાવાગઢ- મહિ સાગર જીલ્લામાં લઇ જઇને ત્‍યાં ઝૂંપડા જેવા મકાનમાં સગીરાને રાખીને આરોપીએ તેની ઉપર વારંવાર બળાત્‍કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ તા. ૩-૭-૧૯ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં આજ. પી. સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસના અંતે આરોપી અરવિંદ વિનુભાઇ ધોળકીયાની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કેસ ચાલતાં સરકારી વકીલ આબીદભાઇ શોસને આઠ સાહેદોને તપાસ્‍યા હતાં તેમજ ૧પ દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરી મેડીકલ એવીડન્‍સથી ભોગ બનનાર સગીર હોવાનું પુરવાર કરતાં આરોપી વિરૂધ્‍ધ સમાજ વિરોધી ગંભીર ગુનો હોય સજા કરવા દલીલો કરતાં અહિના સેશન્‍સ જજ શ્રી એ. બી. હિરપરાએ આરોપીને તકસીરવાન ઠરાવેલ હતો.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. શ્રી આબીદભાઇ સોશન તથા મુળ ફરીયાદી વતી એડવોકેટ ખોડુભા સાકરીયા રોકાયા હતાં.

(4:51 pm IST)