રાજકોટ
News of Monday, 6th March 2023

રાજકોટ તાલુકાના બેડલા, ફાડદંગ સહિતના ૬ ગામમાં પાણી પ્રશ્‍ન હલ થશેઃ બેટી નદી પર ચેકડેમ-કોઝવે

કુંવરજીભાઇના હસ્‍તે પાણીની જુથ યોજના અને ચેકડેમનું ખાતમુહુર્ત

રાજકોટ તા. ૬: તાલુકાના ફાડદંગ ગામે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્‍તે ફાડદંગ-બેટી પીવાના પાણીની જૂથ યોજના અને બેડલા ગામે બેટી નદી પર ચેકડેમ કમ કોઝવેનું ખાત મુહુર્ત સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર વાંકાને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. સરકારની પાણી પુરવઠા વિભાગ હસ્‍તકની ફાડદંગ-બેટી પીવાના પાણીની જૂથ યોજનાથી બેડલા-ફાડદંગ-હડમતીયા-ગોલીડા-ડેરોઇ-રફાળા આ ૬ ગામો માટે પીવાના પાણીનો પ્રશ્‍ન કાયમી હલ થઇ જશે. અને આ ગામોમાં વસતા ૮૦૦૦ જેટલા લોકોને શુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે.

૧પમું નાણાપંચ વર્ષ ર૦ર૧-રર ની જિલ્લા કક્ષાની ગ્રાન્‍ટ અંતર્ગત બેડલા ગામે બેટી નદી પર ચેકડેમ કમ કોજવે બનવાથી ચેક ડેમની આજુબાજુના ખેતરોના ભૂગર્ભ જળના સ્‍તર ઊંચા આવશે તેમજ બેડલાથી જામગઢ આવતા જતા લોકોને તેમજ આસપાસના ખેડૂતોને ચોમાસા દરમિયાન પણ અવરજવર માટે સુગમતા રહેશે.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે રાજયના કોઇપણ વિસ્‍તારમાં કોઇપણ યોજનાઓમાંથી બનેલા કે નિર્માણ પામેલા નાના-મોટા તમામ ચેકડેમો સરકારની ૮૦:ર૦ યોજના હેઠળ ઊંડા ઉતારવા તેમજ રીપેરીંગ કરી શકાશે. આ યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવા રાજકોટ જિલ્લાની ગ્રામ્‍ય જનતાને તેમણે હાકલ કરી હતી.

કાર્યક્રમમાં જિ.પં. સદસ્‍ય સવિતાબેન ગોહેલ, સંજયભાઇ રંગાણી, વલ્લભભાઇ મકવાણા, કિશતનભાઇ બથવાર તથા પ્રકાશભાઇ કાકડીયા, સદસ્‍ય ભીખાભાઇ ગોવાણી, નિલેશભાઇ પીપળીયા, ભરતભાઇ મકવાણા, ફાડદંગ સરપંચ શ્રી કાજલબેન ગીરીશભાઇ કથીીરયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નશીત, ઉપ-પ્રમુખ મહેશભાઇ આટકોટિયા, સરપંચશ્રીઓ ચમનભાઇ સોજીત્રા, કીર્તીબેન બથવાર, ચંદ્રેશભાઇ રાઠોડ, પ્રવીણભાઇ હેરભા, નરેન્‍દ્રસિંહ જાડેજા, કેતનભાઇ કાનાણી, સુરપાલસિંહ જાડેજા, સુરેશભાઇ જાદવ, બાબુભાઇ મોલિયા અનેક ગામોના સરપંચશ્રીઓ તથા મેયુરભાઇ ઢોલરીયા, સંદીપભાઇ રામાણી, છગનભાઇ સખીયા, રસિકભાઇ ખૂંટ, કલ્‍પેશ રૈયાણી, નિતીનભાઇ રૈયાણી, ભગાભાઇ જીંજરિયા, મુકેશભાઇ મેર વગેરે અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(4:28 pm IST)