રાજકોટ
News of Saturday, 6th March 2021

બહુચર્ચિત આરીફ ચાવડા હત્યા કેસમાં પકડાયેલ આરોપી વકીલના જામીન મંજુર

રાજકોટ, તા. ૬ :  માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર રાજકીય અગ્રણી આરીફ ચાવડા મર્ડર કેસમાં જેલ હવાલે રહેલ આરોપી એડવોકટ ઇકબાલ ઓસમાણભાઇ ખૈબર ને હાઇકોર્ટ દ્વારા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો આરોપીઓ અગાઉ તેઓના ઘર આગળ ડેરીમાં છાસ તથા બગડેલ પનીરનું ઉત્પાદન કરી વેચતા હોય જેથી ફરીયાદી તથા મરણ જનાર આરીફ ચાવડા તથા સોસાયટીના સભ્યોએ વાંધો ઉપાડતા મનદુખ ચાલતુ હોય જેથી ફરીયાદી તથા મરણ જનાર ગાળો નહીં બોલવા માટે આરોપીઓને સમજાવતા હવે તેમને પુરા કરી નાખવા છે તેમ કહી બે આરોપીઓએ ગુજરનારને પકડી રાખી અને બે આરોપીઓએ છરીના ઘા મારી ઢીકા-પાટુનો માર મારતા ફરીયાદો વચ્ચે છોડવવા જતા તેને પણ ઢીકા-પાટુનો મુંઢ માર મારી મરણજનારને રોડ ઉપર ઢસડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ એક સંપ કરી કાવતરૂ રચી મારા મારી કરી મરણ જનારને ગંભીર જીવલણે ઇજાઓ કરી મોત નિપજાવી હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા ગુજરનારના ભાઇ મુસ્તાક હુસેન ચાવડાએ તેના જ ઘર પાસેના રહીશ આરોપીઓ (૧) વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઇ ખૈબર (ર) રમીજ ઉર્ફે બાબો ઇકબાઇભાઇ ખૈબર (૩) અબ્દુલભાઇ ઓસમાણભાઇ ખૈબર (૪) ઇકબાલ ઓસમાણભાઇ ખૈબર નાઓ વિરૂધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો.

ઉપરોકત આરોપીઓ પૈકી ઇકબાલ ઓસમાણભાઇ ખૈબરે રેગ્યુલર જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી રાજકોટની સેસન્સ અદાલતે રદ કરતા તે સામે હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

હાઇકોર્ટ બંને પક્ષેની રજુઆતો ગુનાનો પ્રકાર રેકર્ડ પરની હકિકતો લક્ષે લેતા એપેક્ષ કોર્ટના ચુકાદામાં પ્રતિપાદિત કરેલ સિધ્ધાંત તેમજ ફરીયાદમાં આરોપી વિરૂધ્ધ નો આક્ષેપ લક્ષે લેતા અરજદારની તરફેણમાં વિવેક બુધ્ધી સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદાર એડવોકેટને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં તમામ આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઇકોર્ટમાં જે.એમ. પંચાલ તથા આશીષભાઇ ડગલી રોકાયેલ હતા.

(2:53 pm IST)