રાજકોટ
News of Monday, 6th February 2023

રાજકોટના ૮ સહિત તમામ ૧૮ ઝોનમાં દસ્‍તાવેજ નોંધણી ચાલુ : ૪ ફેબ્રુઆરી પહેલા સ્‍ટેમ્‍પ ખરીદનારને ફાયદો

તમામ ઝોનમાં ૪૦ સ્‍લોટ : બધા હાઉસફુલ : સબ રજીસ્‍ટ્રારોએ શનિવારે રાત્રે જ જંગી અપડેટ કરી નાંખી : ૪ ફેબ્રુઆરી સુધીમાં સ્‍ટેમ્‍પ ખરીદનારને જંત્રી વધારો લાગુ નહી પડે : દરેક કચેરીએ લોકોના ટોળા-પૂછપરછનો દોર

રાજકોટ તા. ૬ : ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં એક ઝાટકે ડબલ વધારો ઝીંકી દીધો છે, આ નિર્ણય સામે રાજ્‍યભરમાં ઉગ્ર ઉહાપોહ ઉભો થયો છે, ગાંધીનગરમાં આ બાબતે મીટીંગ ચાલુ છે.  દરમિયાન આજે રાજકોટના ૮ ઝોન તથા જિલ્લાના ૧૦ મળી કુલ તમામ ૧૮ ઝોનમાં દસ્‍તાવેજ નોંધણી ચાલુ હોવાનું અને બપોરે ૧ વાગ્‍યા સુધીમાં એકપણ દસ્‍તાવેજ રદ્દ નહિ થયાનું સબ રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે, હાલ તમામ ઝોનમાં ૪૦ સ્‍લોટ છે, બધા હાઉસફુલ છે અને આથી અંદાજે ૬૫૦થી ૭૦૦ દસ્‍તાવેજની નોંધણી થશે, શનિવાર મોડી રાત સુધીમાં જંત્રી અપડેટ કરી નખાઇ છે.

તેમણે જણાવેલ કે, ૪ ફેબ્રુઆરી કે તે પહેલા સ્‍ટેમ્‍પ ખરીદનારને જંત્રીનો ડબલ વધારો લાગુ નહી પડે, સીધો ફાયદો થશે, આજે દરેક કચેરીએ દસ્‍તાવેજ ઇચ્‍છુકોના ટોળા હતા, જંત્રીના ભાવ વધારા અંગે પૂછપરછનો દોર સતત રહ્યો હતો.

(3:29 pm IST)