રાજકોટ
News of Wednesday, 6th February 2019

કરણી સેના દ્વારા પેઢાવાળાથી દેદાજી દેવળી સુધી પ્રતિમા શોભાયાત્રાઃ રવિવારે વીર દેદાજીની પ્રતિમા અનાવરણ

રાજકોટઃ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા, દેદાજીની દેવળી (તાલુકો- કોડીનાર) ખાતે તા.૧૦ના રોજ ક્ષત્રિય કારડિયા રાજપૂત વીર દેદાજી બારડની પ્રતિમાનું અનાવરણ થનાર છે.

આ રાજપૂત વીરનો જન્મ આજથી ૨૩૮ વર્ષ પહેલા તાંબાની દેવળી, કોડીનાર ખાતે થયો હતો. તે સમયે ગાયકવાડ સરકારના સુબા કોડીનાર તાલુકામાં વહીવટ ચલાવતા હતા. એ સમયમાં કોડીનાર સહિત આજુબાજુના વિસ્તારમાં અમુક લોકો અસંખ્ય લુટફાટ કરીને લોકોને પરેશાન કરતા હતા અને તેનાથી કોડીનાર તાલુકાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. આ ત્રાસમાંથી મુકત કરાવા સુબાએ તમામ સમાજના આગેવાનોની બેઠક બોલાવી અને એક બ્રાહ્મણ બાળકના માથા પર ત્રાંબાનો પાત્ર અને તેમા પાનનું બીડુ મુકયુ અને કહ્યુ આ સમસ્યામાથી પ્રજાને કોણ મુકિત અપાવવાનું બીડુ ઝડપશે અને કહ્યુ કોઈ બીડુ ન ઉઠાવે તો બાળકનો વધ કરવો પડશે. આ સાંભળી રાજપૂત વીર દેદાજી બારડ ઉભા થયા અને કહ્યું હું પ્રતિજ્ઞા લઉ છુ કે ૧૫ દિવસમાં કોડીનાર પંથકને લુટારાઓ અને ધાડ પાડુઓના ત્રાસમાંથી મુકત કરાવીશ અને રાજપૂત વીર દેદાજી બારડે માત્ર ૧૦ દિવસમાં લુટારાઓ અને ધાડ પાડુઓમાંના અનેકનો વધ કર્યો અને તેમને હાકી કાઢયા. તેમની આ શુરવીરતાથી પ્રભાવિત થઈને ગાયકવાડ સરકારે વીર દેદાજીને ૨૫૦ વિઘાનો ગરાસ કાઢી આપ્યો અને ત્યારથી આ ગામ દેદાજીની દેવળી તરીકે પ્રચલિત થયુ.

આ ક્ષત્રિય કારડિયા રાજપૂત વીરની પ્રતિમા અનાવરણ પ્રસંગ તા.૬ થી તા.૧૦ સુધી રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં આજે તા.૬ના રોજ પેઢાવાળા ગામથી દેદાજીની દેવળી ગામ સુધી પ્રતિમા શોભાયાત્રા બપોરે ૨ કલાકે નીકળેલ. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના આ ભવ્ય આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહ કટાર, ગુજરાત અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત, ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી ચંદુભા પરમાર બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને આજે યોજાએલ પ્રતિમા શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં સર્વે રાજપૂત અગ્રણીઓએ માહિતી આપેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૦)

 

(3:39 pm IST)