રાજકોટ
News of Tuesday, 6th February 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેંકડો મુન્નાભાઇ MBBS! કૌભાંડનું ડોકીયુ

બોગસ ડોકયુમેન્ટથી બીજી યુનિવર્સિટીમાંથી એલીજીબલ સર્ટી વગર : હોમીયોપેથીક ફેકલ્ટીના અધરધેન ડીન ડો. ભરત વેકરીયાની કુલપતિ ચૌહાણને અનેક રજૂઆત છતાં ભેદી મૌનઃ પુરાવા રજુ થતાં આખરે નેહલ શુકલના વડપણ : હેઠળ તપાસ કમિટિ રચીઃ યુનિવર્સિટીના અધિકારી, કોલેજ સંચાલક સહિતની સંડોવણીની શંકાઃ ફોજદારી પગલા ભરવા ડો. ભરત વેકરીયાની માંગણી

રાજકોટ તા. ૬ : એ-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં પદવીની વિશ્વનિયતા સાવ તળીયે પહોંચી છે. પરીક્ષા વિભાગમાં ભારોભાર ગેરરીતિઓની માત્ર પરીક્ષા પૂરતી જ નહી પણ રાબેતા મુજબની ફરીયાદોનો ધોધ વહે છે છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો અને ભાજપ આગેવાનોએ મૌન ધારણ કર્યું છે.

ભાજપ આગેવાન અને હોમિયોપેથી મેડિકલ ફેકલ્ટીના અધર ધેન ડીન ડો. ભરત વેકરીયાએ છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવાર કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને તેના નજીકના વ્યકિતઓને લેખીત તેમજ મૌખીક રજૂઆત કરી હતી કે, ગુજરાત બહારની યુનિવર્સિટીમાંથી પદવી મેળવનાર તેમજ મેડીકલ કક્ષાની પદવી માટેની પ્રાથમિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્યવાહીમાં ગેરરીતિ થઇ રહી છે. તેની સામે પગલા લેવા અને રજૂઆત કરી છતાં ભેદી રીતે કુલપતિ મંડળીએ મૌન સેવ્યુ હતું.

ડો. ભરત વેકરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રીતસર બાન લઇ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ બહારના તત્વો દ્વારા મંડળી રચી વ્યવસ્થીત અમાન્ય અને અયોગ્ય વિદ્યાર્થીઓને બોગસ સાહિત્ય ઉભુ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાનું કથિત કૌભાંડ ચાલે છે. જેનો સેંકડો વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે.

ડો. ભરત વેકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બોગસ ડોકટર બનેલા અમાન્ય અને અયોગ્ય વિદ્યાર્થી દ્વારા જનઆરોગ્ય સાથે ચેડા કરશે. જે લોકોએ અભ્યાસ જ નથી કર્યો છતાં સીધા ડોકટર બનીને તબીબી વ્યવસાય કરવા લાગ્યા છે. કુલપતિ આ અંગે લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણોસર યુનિવર્સિટીના જવાબદાર વ્યકિતઓએ કોઇપણ જાતના પગલા લીધા ન હતા અને આંખ મીંચામણા કરી ગેરરીતિને પ્રોત્સાહન આપેલ છે. આમા સંડોવાયેલા યુનિવર્સિટીના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

ડો. ભરત વેકરીયાએ રજૂઆત કરતા વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અસ્તિત્વ ધરાવતી હોમિયોપેથીક વિદ્યાશાખામાં જોડાણ ધરાવતી કોલેજો દ્વારા ગુજરાત બહારની યુનિવર્સિટીની ખોટી માર્કશીટ રજૂ કરી અમાન્ય અને અયોગ્ય વિદ્યાર્થીઓને તબીબ બનાવવાનું કૌભાંડ ચાલે છે. આમા કોલેજના ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલ અને સંપર્ક ધરાવતા દલાલોની સક્રિય ભૂમિકા હોય છે.

આ ગંભીર રજૂઆત બાદ કુલપતિ ચૌહાણે તાબડતોબ તપાસ સમિતિની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ અને કુલપતિના ખાસ અંગત વહીવટકાર ગણાતા સંજય ભાયાણી અને ફાર્મશી ભવનના અધ્યક્ષ ડો. મિહીર રાવલનો સમાવેશ થાય છે.

(4:09 pm IST)