રાજકોટ
News of Tuesday, 6th February 2018

એટીએમમાં નિવૃત પોસ્ટ માસ્તરને છેતરી ગઠીયાએ રૂ. ૧.૨૧ લાખ ઉપાડી લીધા

નવલનગરના મહેન્દ્રભાઇ ભટ્ટ સાથે આનંદ બંગલા ચોકના એટીએમમાં બનાવઃ છુટા આપવાના બહાને કાર્ડ બદલી લઇ 'કારીગીરી': માલવીયાનગર પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૬: એટીએમમાં ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓને છેતરીને મદદ કરવાના બહાને ગઠીયાગીરી કરી એટીએમ કાર્ડ બદલીને કે પછી બીજી યુકિત અપનાવી નાણા ઉપાડી લઇ છેતરપીંડી કરતાં ગઠીયાને અગાઉ એ-ડિવીઝન પોલીસે દબોચતાં બે ડઝન જેટલા ગુનાના ભેદ ખુલ્યા હતાં. ત્યાં વધુ એક કિસ્સામાં નવલનગર-૯માં રહેતાં બાંટવાના નિવૃત પોસ્ટ માસ્તર મહેન્દ્રભાઇ દામોદરભાઇ ભટ્ટ (ઉ.૬૬)ને એક ગઠીયાએ છેતરીને તેમનું એટીએમ કાર્ડ બદલી તેનો જુદા-જુદા એટીએમમાં ઉપયોગ કરી રૂ. ૧,૨૧,૫૯૭ ઉપાડી લીધા છે.

મહેન્દ્રભાઇ ભટ્ટ અને તેમનો ૩૦ વર્ષનો દિકરો તા. ૩/૨ના રાત્રે પોણા નવેક વાગ્યે આનંદ બંગલા ચોકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતાં. આ વખતે મહેન્દ્રભાઇએ એસબીઆઇનું પોતાનું એટીએમ કાઢી તેના દ્વારા રૂ. ૫૦૦૦ ઉપાડ્યા હતાં. એ વખતે એમનો દિકરો દૂર હતો. આ વૃધ્ધને છુટા પૈસાની જરૂર હોઇ એટીએમમાં જ ઉભેલા એક યુવાન વયના શખ્સને ૨ હજારની નોટ આપી છુટા માંગતા તેણે છુટા આપ્યા હતાં. એ પછી એ શખ્સે આ મશીનમાંથી નવી ૨૦૦ વાળી નોટો પણ નીકળે છે તેવી વાતો કરી હતી. પણ મહેન્દ્રભાઇએ રૂ. ૪૦૦ ઉપાડવા પ્રોસીઝર કરતાં ૧૦૦-૧૦૦ વાળી ચાર નોટો જ નીકળી હતી. એ પછી ગઠીયાએ કોઇપણ રીતે મહેન્દ્રભાઇ પાસેનું તેમનું એટીએમ બદલીને જુનુ તેના જેવુ જ બંધ થઇ ગયેલુ એટીએમ આપી દીધુ હતું.

મહેન્દ્રભાઇ ઘરે ગયા બાદ થોડી-થોડીવારને અંતરે તેમના મોબાઇલમાં પૈસા ઉપડી ગયાના મેસેજ આવ્યા હતાં. પરંતુ તેમણે એ રૂટીન મેસેજ સમજીને એ વખતે ધ્યાન આપ્યું નહોતું. બીજા દિવસે પણ ૬૪૬૫ માંથી રૂ. ૬૪૦૦ ઉપડી ગયા હતાં. આ રીતે કુલ રૂ. ૧,૨૧,૫૯૭ ઉપડી જતાં માત્ર રૂ. ૬૫ બેલેન્સ રહી જતાં પુત્રને ખબર પડતાં તપાસ કરતાં ગઠીયાની કારીગીરી સામે આવી હતી.  આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં હાલ લેખિત ફરિયાદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દોઢ-બે મહિના પહેલા આવી જ રીતે ગઠીયાગીરી કરતાં એક પરપ્રાંતિય શખ્સને એ-ડિવીઝન પોલીસે પકડ્યો હતો. ત્યાં હવે નવો ગઠીયો મેદાનમાં આવી ગયો કે કેમ? તે અંગે પોલીસે ફૂટેજ ચેક કરવા તપાસ શરૂ કરી છે.

(3:39 pm IST)