રાજકોટ
News of Wednesday, 6th January 2021

રાજકોટની વધુ ૭ સોસાયટીને સુચિત તરીકે માન્યતા

પૂર્વ વિભાગની-૫ અને દક્ષિણની ૨નો સમાવેશ : ૭૫૦ મકાન ધારકોને ફાયદો થશે

રાજકોટ તા. ૬ : રાજ્યના મહેસૂલ - શહેરી વિકાસ ખાતાએ રાજકોટ જિલ્લા કલેકટરે કરેલી કુલ ૧૦માંથી વધુ ૭ સોસાયટીની દરખાસ્તને સૂચિત તરીકે માન્યતા આપી દીધી છે. આ અંગેની ગઇકાલે સાંજે લેખીતમાં જાણ કરી દેવાયાનું અને આ માન્યતા મળતા કલેકટરે સીટી પ્રાંત-૧ અને બે મામલતદારને આ સૂચિત સોસાયટીના ૭૫૦થી વધુ લોકો પાસે ફોર્મ ભરાવવા - ચલણ ભરાવવા તથા સનદો અંગે કાર્યવાહી કરવા આદેશો કર્યા છે.

જે ૭ સોસાયટીને સૂચિત તરીકે માન્યતા મળી તેમાં દક્ષિણ વિભાગની સુભાષનગર-બી અને રિધ્ધી સિધ્ધી પાર્કનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્વ વિભાગની ન્યુ શકિત, મારૂતિનગર-૩, સંત કબીર (વૃંદાવન), ગાંધી સ્મૃતિ અને વાલ્મિકીનો સમાવેશ થાય છે, આ તમામ ૭ સોસાયટીના કુલ ૩૫૦થી વધુ લોકોને લાભ મળશે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, હજુ ૩ સોસાયટી અંગે હવે નિર્ણય આવશે, આ ૭ સોસાયટીના ઉમેરા સાથે હવે કુલ ૧૬૫ સોસાયટી થઇ છે. જ્યારે કોમન પ્લોટના વિવાદવાળી કુલ ૧૦ સોસાયટી અંગે હજુ કોઇ નિર્ણય આવ્યો નથી.

(3:06 pm IST)