રાજકોટ
News of Saturday, 5th December 2020

૧૦૮ ખિલખિલાટમાં હમદર્દી સાથે મળે છે વિશ્વાસયુકત વાતાવરણ

દક્ષાબેનના ભુલાઇ ગયેલા ૬૦ હજારના દાગીના પરત કરાયા

રાજકોટ તા. ૫ : હલ્લો કાનજીભાઈ, તમારા પરિવારજન દક્ષાબેનની બે સોનાની બુટ્ટી ખીલખીલાટ વેન માંથી મળી છે તો આપ અમારી પાસેથી મેળવી લેશો.  આ શબ્દો છે ૧૦૮ ખીલખીલાટ વેનના કેપ્ટન અને પ્રમાણિકતાના પ્રહરી એવા હર્ષદભાઈ સિંધવના. 

વાત એમ છે કે માવડી વિસ્તારમાં રહેતા દક્ષાબેન દિવ્યેશભાઈ રાઠોડને પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થે લાવવામાં આવ્યા હતાં. તેમની પ્રસુતિ બાદ ખીલખીલાટ વેનમાં ઘરે પરત મૂકી જવામાં આવ્યા હતાં કોઈ કારણોસર તેઓ તેમના સોનાના દાગીના વેનમાં જ ભૂલી ગયા હતાં. ત્યારબાદ વેનના કેપટનના ધ્યાને આ દાગીના આવતા તેમના પરિવારજનને ફોન કરી દાગીના પરત લઈ જવા જાણ કરી હતી.

રાજકોટ ખાતે ૧૦૮ ના ઇમરજન્સી મેનેજમેન્ટ એકઝીકયુટીવ વિરલભાઈ ભટ્ટે આ તકે ખીલખીલાટની ટીમને તેમની પ્રામાણિક સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતાં. રાજય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે ૧૦૮ ની જેમ સેવા આપતી ખીલખીલાટ સેવા માત્ર દર્દીઓ જ નહિ પરંતુ તેમનો વિશ્વાસ પણ વહન કરે છે.

(3:21 pm IST)