રાજકોટ
News of Saturday, 5th December 2020

રાજકોટને અપાતા નર્મદા નીરના બીલમાં આવતા વર્ષથી ૧ કરોડ ૮ લાખનો વધારો ઝીંકાશે

દર હજાર લીટરે ૩૮ પૈસા વધારવામાં આવશે : માર્ચ ૨૦૨૧થી મહીને ૯ લાખનું ભારણ વધશે : હાલ રોજના ૪.૮૦ લાખનો ચાર્જ છે જે આવતા વર્ષે વધીને રોજના ૫.૧૦ લાખનો થશે

રાજકોટ તા. ૭ : શહેરને રાજ્ય સરકાર દ્વારા જે નર્મદા નીર આપવામાં આવે છે તેના બીલમાં માર્ચ ૨૦૨૧થી ૧ કરોડ ૮ લાખનો વધારો ઝીંકવામાં આવનાર છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો પ્રાપ્ત મુજબ શહેર હાલમાં દૈનિક ૧૧૦ એમ.એલ.ડી. નર્મદા નીર પ્રતિ એમએલડી રૂ. ૬૦૦૦ના ચાર્જથી આપવાનો કરાર છે. એટલે કે ૧૦૦૦ લીટર પાણીનો દર હાલમાં રૂ. ૬ છે. એ હીસાબે હાલમાં ૮૦ એમ.એલ.ડી. એટલે કે ૮ કરોડ લીટર પાણી આપવામાં આવે છે એ હીસાબે રોજના નર્મદા નીરનું બિલ ૪.૮૦ લાખ થાય છે.

દરમિયાન માર્ચ ૨૦૨૧થી સરકાર રાજકોટને અપાતા નર્મદા નીરમાં પ્રતિ ૧૦૦૦ લીટરે ૩૮ પૈસાનો વધારો કરનાર છે ત્યારે નર્મદા નીરના બીલ માર્ચ ૨૦૨૧થી રૂ. ૫,૧૦,૪૦૦ જેટલુ ચુકવવાનું થશે.

આમ, ઉપરોકત હીસાબ મુજબ આવતા વર્ષ નર્મદા નીરના બીલ ખર્ચમાં કુલ રૂ. ૧ કરોડ ૮ લાખનું ભારણ આવશે. તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

(3:20 pm IST)