રાજકોટ
News of Saturday, 5th December 2020

રૈયા રોડ પર બીલ્ડીંગના આઠમા માળેથી રમતા રમતા પડી જતા ૩ વર્ષની કિંજલનું મોત

આલાપગ્રીન સીટી પાસે નવા બનતા બીલ્ડીંગમાં બનાવઃ મજુર પરિવારમાં શોક

રાજકોટ તા. પઃ રૈયા રોડ પર આલાપગ્રીન સીટી પાસે નવા બનતા બીલ્ડીંગના આઠમા માળેથી પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર આલાપગ્રીન સીટી પાસે તુલસી સુપર માર્કેટની બાજુમાં નવા બનતા બીલ્ડીંગમાં કડીયા કામ કરતા અને બીલ્ડીંગની લેબર કોલોનીમાં રહેતા દાહોદના સંજયભાઇ માળી ગઇકાલે પત્ની અને ૩ વર્ષની બાળકી કિંજલ ત્રણેય બીલ્ડીંગના આઠમા માળે કડીયા કામ કરતા હતા. ૩ વર્ષની કિંજલ રમતા-રમતા આઠમા માળેથી પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ના તબીબે તપાસ કરતા બાળકીનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા તથા રાઇટર પ્રદિપભાઇ કોટકે તપાસ હાથ ધરી છે. મૃતક કિંજલ બે બહેનમાં મોટી હતી માસુમ બાળકીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(2:41 pm IST)