રાજકોટ
News of Saturday, 5th December 2020

લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ સતત ચિંતીત રહેતો હોઇ પગલુ ભર્યાની શકયતા

હું મરી જાવ છું, કોઇનો વાંક નથી...મારી ડેડબોડી પહોંચાડી દેજોઃ ચિઠ્ઠી લખી યુવાન ટ્રેન હેઠળ કપાયો

રૈયા રોડ નરસિંહ મહેતા ઉદ્યાન નજીક રાજીવનગરનો તેજસ ચુડાસમા ગત બપોરે ઘરેથી નીકળી ગયો'તો : તેજસભાઇ માતા-પિતાનો એક જ પુત્ર હતો અને પોતે ૧ાા વર્ષના પુત્રનો પિતા હતો

રાજકોટ તા. ૫: રૈયા રોડ પર શ્રેયશ સોસાયટી પાછળના ભાગે નરસિંહ મહેતા  ઉદ્યાન મેઇન રોડ પર રાજીવનગરમાં રહેતાં તેજસભાઇ જયેશભાઇ ચુડાસમા (ઉ.વ.૩૦) નામના ધોબી યુવાને સાંજે મોરબી રોડ પર જકાતનાકા નજીક બારદાન ગલીની પાસે ફાટક નં. ૧૨૦ પાસે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. 'હું મરી જાવ છું, કોઇનો વાંક નથી...મારી ડેડબોડી આ મોબાઇલ નંબર પર ફોન કરી પહોંચાડી દેજો'...તેવી ચિઠ્ઠી તેની પાસેથી મળતાં પોલીસે ત્રણ ફોન નંબરો હોઇ તેમાં સંપર્ક કરતાં ઓળખ થઇ હતી.

અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતાં મોત નિપજ્યાની જાણ ૧૦૮ મારફત થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ ઝાલા અને કિશનભાઇએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતક પાસેથી એક ચિઠ્ઠી અને ફોન નંબર મળ્યો હોઇ તેના આધારે ઓળખ શકય બની હતી. આપઘાત કરનાર યુવાન તેજસભાઇ ચુડાસમા રાજીવનગરમાં રહેતો હતો. તે ગઇકાલે બપોરે બાઇક લઇને ઘરેથી નીકળી ગયો હતો અને સાંજના સમયે આ પગલુ ભરી લીધું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ તેજસભાઇ માતા પુષ્પાબેન અને પિતા જયેશભાઇ ચુડાસમાનો એકનો એક પુત્ર હતો અને એક બહેનથી મોટો હતો. તેના પત્નિનું નામ તેજલબેન છે. સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. તેજસભાઇ લોકડાઉન અગાઉ ભારત બેંઝ નામની ટ્રકની ઓફિસમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં નોકરી જતી રહી હતી એ પછી સતત ચિંતામાં રહેતો હતો. આ કારણે કદાચ આ પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ છે. પોલીસ અંતિમવિધી બાદ સ્વજનોના વિશેષ નિવેદનો નોંધશે. એકના એક આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(1:00 pm IST)