રાજકોટ
News of Saturday, 5th December 2020

કલેકટર - મ્યુ. કોર્પોરેશનનું સવારથી મેગા ડિમોલીશન

કોઠારિયામાં ૨૦ કારખાનાનો ભૂક્કો : ૧૦૦ કરોડની જમીન ખુલ્લી

સર્વે નં. ૩૫૨ના ખરાબામાં ગેરકાયદે ઉભા થઇ ગયેલા ગેરકાયદે બાંધકામોનું કુલ ૧૦ કરોડના બાંધકામનો કુડસલો : બાંધકામ કરનાર માલિકે સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધાશે : એડી. કલેકટર પી.પી.પંડયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલ અને ટીપીઓ સાગઠિયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૫ : શહેરના કોઠારીયા સર્વે નં. ૩૫૨ના ખરાબામાં ગેરકાયદે ઉભા થઇ ગયેલ ૨૦ જેટલા કારખાનાના શેડ ઉપર કલેકટર તથા મ્યુ. કોર્પોરેશન દ્વારા સંયુકત રીતે મેગા ડિમોલીશન હાથ ધરી અને બપોર સુધીમાં ૨૦ જેટલા કારખાનાનો ભુક્કો બોલાવી દીધો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા વિસ્તારના સર્વે નં. ૩૫૨માં મોટા પ્રમાણમાં ગેરકાયદે રીતે મોટા શેડ ઉભા કરી અને સરકારી જમીન હડપ કરી લીધાનું કલેકટર રેમ્યા મોહનના ધ્યાને આવતા આજે સવારથી એડીશનલ કલેકટર પરિમલ પંડયા, સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહેલ, મામલતદાર કથિયા, ટી.પી.ઓ. શ્રી સાગઠિયાના માર્ગદર્શન હેઠળ કોઠારિયામાં ૩ બુલડોઝર, ૨ ટ્રેકટર સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેનો કાફલો ત્રાટકયો હતો અને ૨૦ જેટલા ગેરકાયદે કારખાનાઓનો ભૂક્કો બોલાવી દીધો હતો.

અંદાજે ૧૦૦ કરોડની જમીન આ ગેરકાયદે દબાણો દુર થતાં ખુલ્લી થઇ હતી તેમજ ૧૦ હજાર ચો.મી. બાંધકામનો કડુસલો બોલાવી કુલ ૧૦ કરોડનું બાંધકામ તોડી પડાયું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ મોટાભાગના કારખાનાઓમાં ભાડુઆતો હોય તમામ ભાડુઆતોના નિવેદનો નોંધી અને તેના માલિકો સામે લેન્ડ ગ્રેબીંગ એકટનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

દબાણકર્તા ભાડુઆતો અને માલિકોના નામ

કલેકટર તંત્ર દ્વારા જાહેર કરાયેલ ઉકત ગેરકાયદે કારખાનાના ભાડુઆતો તથા માલિકોના નામ આ મુજબ છે. (૧) ભાડુઆત : બીપીનભાઇ ધીરૂભાઇ મોણપરા, માલિક : કિરણભાઇ રાજપૂત (શિતલ સ્ટુડિયો) (ર) બંધ શેડ : સાંઇબાબા સર્કલ પાસે (૩) બંધ શેડ : સાંઇબાબા સર્કલ પાસે (૪) બંધ શેડ : સાંઇબાબા સર્કલ પાસે (૫) બંધ શેડ : સાંઇબાબા સર્કલ પાસે (૬) નુરઅલી મહેબુબઅલી અન્સારી (૭) બંધ શેડ : રાધે ઇન્ડસ્ટ્રીઝ પાસે (૮) ભાડુઆત : વિપુલભાઇ રસીકભાઇ વડગામા, માલિક : જયેશભાઇ ચંદુભાઇ વાઢેર (૯) સદામ હુશેન સીદ્દીકી (૧૦) લાકડાનો ડેલો.

આમ ઉપરોકત તમામ શેડ અંગે નિવેદનો નોંધી શેડ માલિકો સામે લેન્ડ બ્રેકીંગ એકટ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

આમ, આજે થયેલ ઉપરોકત મેગા ડિમોલીશનથી દબાણકર્તાઓમાં જબરો ફફડાટ ફેલાયો છે. સ્થળ પર લોકોના ટોળા - રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

આ ડિમોલીશનમાં નાયબ મામલતદાર એમ.પી.જાડેજા, મેણાંત, કેવિનભાઇ, ડી.આર.ઝાલા, આજી ડેમ ચોકડી પી.આઇ. એમ.એન.ઝાલા તથા તેમનો સ્ટાફ વગેરે જોડાયા હતા.

સોમવારથી રોજેરોજ ગેરકાયદે દબાણો દુર કરવા ઝુંબેશ

રાજકોટ : સીટી પ્રાંત-૨ ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ હવે સોમવારથી આ પ્રકારે રોજેરોજ ગેરકાયદે દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરાશે. આ માટેની ટીમમાં કલેકટર - મ્યુ. કોર્પોરેશન - વિજ કંપની તથા પોલીસ સ્ટાફ સંયુકત રીતે કામગીરી કરશે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:19 pm IST)