રાજકોટ
News of Saturday, 5th December 2020

માતાજીના માંડવામાંથી પરત આવતી વખતે ભીચરી પાસે અને પેડક રોડ પર ધબધબાટીઃ ૪ ઘવાયા

ચુનારાવાડના વિશાલ સોલંકી, રવિ સોલંકી અને સામા પક્ષે વેલનાથપરાના અનિલ સોલંકી તથા મનોજ સોલંકીને ઇજાઃ જુના ડખ્ખામાં હુમલો થયાનો એકબીજા પર આક્ષેપ

રાજકોટ તા. ૫: ભીચરીથી આગળ હાજાપર ગામે ગઇકાલે માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હોઇ ત્યાં રાજકોટના ચુનારાવાડના દેવીપૂજક પરિવારના લોકો તથા વેલનાથપરાના દેવીપૂજક પરિવારના લોકો ટુવ્હીલર-કાર મારફત દર્શન કરવા પ્રસાદ ધરવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે જુના મનદુઃખને કારણે ભીચરી પાસે મારામારી થતાં બે જણાને ઇજા થઇ હતી. એ પછી પેડક રોડ પર ફરીથી ધમાલ મચી જતાં સામા પક્ષના બે જણા ઘવાયા હતાં. આ બંને બચવા માટે બૂલેટ પર ભાગ્યા હતાં અને પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયા ત્યાં સુધી પીછો થયો હતો.

ચુનારવાડ-૧માં રહેતાં અને મજૂરી કરતાં વિશાલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૨૭) તથા પિત્રાઇ રવિ સંજયભાઇ સોલંકી (ઉ.વ.૨૩) એકટીવામાં બેસી હાજાપરથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે એચ.એન. શુકલા કોલેજથી ભીચરી તરફના રસ્તે આંતરી મનોજ, પ્રકાશ, અશોક સહિતે હુમલો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. રવિએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પ્રકાશ સાથે થયેલી માથાકુટમાં ફરિયાદ થઇ હોઇ ખાર રાખી ઇનોવા કારથી પીછો કરી એકટીવાને ઉલાળી દઇ ઇજા પહોંચાડી મારકુટ થઇ હતી.

સામા પક્ષે વેલનાથપરા-૩માં રહેતાં અને યાર્ડમાં શાકભાજી વેંચતા અનિલ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૨૫) અને મનોજ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૩૦) પણ પોતાના પર પેડક રોડ અનામ ઘુઘરાથી આગળ જતાંરોડ પર વિશાલ, રવિ, સંજય સહિતના શખ્સોએ હુમલો કરી ધોકા-તલવારથી ઇજા કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. મનોજે આક્ષેપ કર્યો હતો કે અમારો પીછો થતાં અમે બુલેટ લઇ ભાગ્યા હતાં અને બચવા માટે પોલીસ સ્ટેશનમાં જતાં રહ્યાં હતાં. માતાજીના માંડવામાં એ લોકો ગાળો બોલતા હોઇ ના પાડતાં રસ્તામાં માથાકુટ થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)