રાજકોટ
News of Saturday, 5th December 2020

નવતર કિમીયોઃ રાજકોટથી રાજસ્થાન જવાનું...પહેરેલા ચપ્પલ ફેંકી દેવાના, નશીલા દ્રવ્ય સાથેના ચપ્પલ પહેરી આવી જવાનું

ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણ પાસેથી રામનાથપરાના વસીમ મુલતાનીને શંકાસ્પદ પાવડર સાથે પકડ્યોઃ પરિક્ષણ માટે એફએસએલમાં મોકલાયોઃ ચપ્પલની સગથરી ઉંચકાવી અંદર પાવડર છુપાવી ફેવીકવીકથી ચોંટાડી દેવાતી

રાજકોટ તા. ૫: નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં પણ દારૂની હેરાફેરીની જેમ નીતનવા નુસ્ખા અજમાવવામાંઆવે છે. આવો જ એક કિમીયો સામે આવ્યો છે. જેમાં માલિયાસણ પાસેથી રામનાથપરા-૧૫માં રહેતાં વસીમ અશરફભાઇ મુલતાની (ઉ.વ.૨૮) નામના પીંજારા શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે બ્રાઉન સ્યુગર મનાતા શંકાસ્પદ પદાર્થ સાથે પકડી લીધો છે. આ પદાર્થ ખરેખર શું છે? તે જાણવા એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાયો છે. નશાખોરો અને આવા પદાર્થ વેંચનારા શખ્સો રાજકોટથી ચપ્પલ પહેરીને રાજસ્થાન જવાનુંહોય છે, ત્યાં જઇ પહેરેલા ચપ્પલ ફેંકી દઇ શંકાસ્પદ પદાર્થ આપનારા જે ચપ્પલ આપે તે પહેરીને આવી જવાનું હોય છે. આ ચપ્પલની સગથરી ઉંચકાવી તેની અંદર પદાર્થ છુપાવી ફેવીકવીકથી ફરી ચોંટાડી દેવામાં આવે છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે વસીમને પકડી તેનું ચપ્પલ કબ્જે કર્યુ છે. જેમાં ૧૦૩.૬૫૦ ગ્રામ શંકાસ્પદ પાવડર છુપાવેલો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ  એમ. વી. રબારી, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી માલિયાસણ પાસે વસીમને આતરી તલાશી લેતાં ચપ્પલની સગથરીમાંથી શંકાસ્પદ પાવડર મળ્યો હતો.

એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ થશે.

(11:38 am IST)