રાજકોટ
News of Tuesday, 5th November 2019

બાર એસો.ના પ્રમુખપદે બકુલભાઇ રાજાણીને રીપીટ કરવા વકીલોની માગણી અંગે આવતીકાલે યોજાનાર જનરલ બોર્ડની બેઠક મુલત્વી

એડવોકેટ નિરવ પંડયા દ્વારા બાર એસો.ના બંધારણ મુજબ ચૂંટણી યોજવા અરજીઃ વકીલોમાં વિવાદ ઉભો થાય તે પહેલા જ બકુલભાઇ રાજાણીની ખેલદીલીઃ હુ ચૂંટણી લડીને ફરી પ્રમુખ બનવા પ્રયાસ કરીશઃ ચૂંટણી લડયા વગર પ્રમુખ થવુ નથીઃ બકુલભાઇના નિર્ણયથી વકીલોમાં લોકચાહના વધી

રાજકોટ તા. પ  :.. રાજકોટ બાર એસો. ની આગામી ૧પ ડીસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં હાલના પ્રમુખ બકુલભાઇ રાજાણીની ફરી પ્રમુખપદે રીપીટ કરવાની મોટી સંખ્યામાં વકીલોએ સહિ કરીને આ મુદ્ે જનરલ બોર્ડની મીટીંગમાં ઠરાવ કરવાની વ્યાપક માંગણી ઉભી થતાં આજે રાજકોટના એક એડવોકેટ નિરવભાઇ પંડયાએ જનરલ બોર્ડ અંગેનો ઠરાવ તાત્કાલીક રદ કરી બાર એસો.નાં બંધારણ મુજબ ચૂંટણી યોજવા ર૧૭ વકીલોના સમર્થન સાથેની એક અરજી કરીને જણાવ્યું છે.

દરમ્યાન બાર એસો.ના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણીએ રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યોને ઉદેશીને એક અરજી આપીને જણાવેલ છે કે, હું ચૂંટણી લડીને પ્રમુખ બનવા પ્રયત્ન કરીશ વકીલોની મારી પ્રત્યેની સહાનુભુતિની હુ કદર કરૂ છું અને હું પોતે ઇચ્છુ છુ કે, જનરલ બોર્ડની મીટીંગ કેન્સલ કરવામાં આવે.

દરમ્યાન બકુલભાઇ રાજાણીના આ ખેલદીલી ભર્યા નિર્ણયથી વકીલોમાં તેઓની લોકચાહના વધી ગઇ છે.

આ તબકકે બકુલભાઇ રાજાણીએ બાર એસો.ના સભ્યો વકીલોએ પોતાની જે કદર કરી તે બદલ તેઓએ વકીલોનો આભાર માનેલ હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, એડવોકેટ નિરવભાઇ પંડયાએ એક વાગે અરજી આપેલ પરંતુ બકુલભાઇ રાજાણીએ ૧ર વાગે જ અરજી આપી દીધેલ હતી.

જો કે, બકુલભાઇની અરજી બાદ આવતીકાલે યોજાનાર બાર એસો.ની  જનરલ બોર્ડની બેઠક રદ કરવામાં આવી હતી.

રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ/સેક્રેટરીને ઉદેશીને ગઇકાલે અરજી આપવામાં આવેલ જે અરજી રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટીમાં વંચાણે લીધેલ હતી જે અરજીની હકીકતો મુજબ રાજકોટ બાર એશોસીએશનના હાલના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણી દ્વારા તમામ જુનીયર, સીનીયર, મહિલા એડવોકેટશ્રીઓના પ્રશ્નો સતત જાગરૂત રહી તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય તથા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણી દ્વારા પક્ષાપક્ષીથી પર રહી તમામ પક્ષોના સમર્થક સીનિયર જુનિયર એડવોકેટશ્રીઓનો વિશ્વાસ જીતી પ્રમુખ તરીકે વર્ષ ર૦૧૯માં સફળ કામગીરી બજાવેલ હોય આગામી ડીસેમ્બર માસમાં યોજાનાર વર્ષ ર૦ર૦ની હોદેદારો અને કારોબારી સભ્યોની ચૂંટણીમાં પણ વર્ષ ર૦ર૦ની મુદત માટે પ્રમુખ પદ માટે હાલના પ્રમુખશ્રી બકુલભાઇ રાજાણીને પનઃ નિયુકત કરવા જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવા ૧૮૬ વકીલોએ અરજ કરેલ છે.

આ અંગે રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટીમાં આ અરજી વંચાણે લઇ અને આગામી તા.૬-૧૧-ર૦૧૯ના રોજ બપોરના ૩-૦૦ કલાકે બાર રૂમ, સીવિલ કોર્ટ બીલ્ડીંગના પહેલા માળે જનરલ બોર્ડની મીટીંગ રાખવામાં આવેલ છે જેમાં હાજર રહેવા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નિશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ અનુરોધ કરેલ છે.

એડવોકેટ નિરવભાઇ પંડયાની અરજી મુજબ આગામી તા. ૬-૧૧-ર૦૧૯ના જનરલ બોર્ડ બોલાવવાનો જે અરજીના અનુસંધાને ઠરાવ કરવામાં આવેલ છે તે અરજી જ પ્રાથમિક તબક્કે ટકવાપાત્ર નથી અને બંધારણની જોગવાઇઓ મુજબ જે કહેવાતા વકીલોએ સહી કરેલ છે જે અવાચ્ય છે અને તે વન બાર વન વોટ મુજબના મતદારો છે કે નહી ? કે મતદાર યાદીમાં તેમનું નામ છે કે નહી ? તે પણ જણાવેલ નથી તથા જેની કહેવાતી સહીઓ છે તેની ખરાઇ પણ કરેલ નથી અને તે અરજી વાસ્તવીક રીતે ચૂંટણી અધિકારીને સંબોધીને આપવી જોઇએ પરંતુ હાલના સંજોગોમાં ચૂંટણી અધિકારીની પણ નિમણુક થયેલ નથી તેમજ તા. ૪-૧૧-ર૦૧૯ વાળી વિવાદની અરજી કોઇપણ સંજોગોમાં નિર્ણય થઇ શકે તેમ નથી તેમજ રાજકોટ બાર એસો.ના ભુતકાળમાં પણ આવો કોઇ જ ગેરબંધારણીય રીતનો નિર્ણય લેવામાં પણ આવેલ નથી.

(4:04 pm IST)