રાજકોટ
News of Tuesday, 5th November 2019

સરકારને ૭ દિ'નું અલ્ટીમેટમઃ નહીં તો ખેડૂતો મહાઆંદોલન છેડશે

રાજકોટમાં કોંગ્રેસી આગેવાન હાર્દિક પટેલની પત્રકાર પરીષદઃ કાલે રાજકોટ કલેકટરને પણ પોતાનો પાવર વાપરવા કહેવાશે : મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કશું કર્યુ નથીઃ રાજીનામુ આપેઃ અમે ૪૦૦૦ ગામડામાં જઈશું: પાકવિમો નુકશાન અંગે હાર્દિકનું એલાને જંગ : સરકારે પાક વિમાના ઉઘરાવેલ ૨૭ હજાર કરોડમાંથી ૧૬ હજાર કરોડની ગાફલેત થયાના આક્ષેપો

અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસ આગેવાન હાર્દિક પટેલે આજે પાક વિમા-ખેડૂતો પ્રશ્ને રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ :. ગુજરાતમાં અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસ આગેવાન લડાયક નેતા હાર્દિક પટેલે આજે રાજકોટ સરકીટ હાઉસ ખાતે ચાલુ વર્ષે ખેડૂતોને પડેલી ખેતીમાં મુશ્કેલીઓ અને વધુ વરસાદને કારણે પાકને થયેલા નુકશાન અંગે પત્રકાર પરિષદ સંબોધી લડાયક આંદોલનની જાહેરાત કરી હતી.

પત્રકારોને સંબોધતા જણાવેલ કે કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકશાન થયુ છે. સરકાર અને વિમા કંપનીઓએ કોઈ વળતર ચુકવતુ નથી. વર્તમાન મુખ્યમંત્રીએ ખેડૂતો પ્રત્યે ઉપેક્ષા દાખવી છે, તેઓ ફેઈલ છે અને તેમણે રાજીનામુ આપવું જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોઈ ખેડૂત નેતા જ હોવા જોઈએ.

તેમણે જણાવેલ કે એક તો ભારે વરસાદ ઉપરાંત આવી રહેલ મહા વાવાઝોડાની ખેડૂતોમાં ફડક છે પણ સરકારે ખેતીને થયેલ નુકશાની-પાકવિમો ચૂકવવા અંગે કશું કર્યુ નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સરકારને અમારૂ ૭ દિ'નું અલ્ટીમેટમ છે. જો સરકાર ૭ દિ'માં ખેડૂતો અંગે કોઈ નિર્ણય નહી લ્યે, તો ખેડૂતો-પ્રજા રસ્તા ઉપર ઉતરી આવશે, એક મહાઆંદોલન છેડાશે.

તેમણે જણાવેલ કે, કાલે આ બાબતે અમે રાજકોટ કલેકટરને મળીશું. પડધરી, જસદણ, લોધીકા વિસ્તારમાં ખેડૂતોને પારાવાર નુકશાની છે. કલેકટર પોતે પોતાનો વીટો પાવર વાપરે અને ખેડૂતલક્ષી પગલા ભરે તે જણાવીશું.

તેમણે આક્ષેપ કરેલ કે સરકારને માત્ર રાજકોટ જીલ્લા પંચાયત તોડવામાં રસ છે. ૪ - ૪ વખત કોશીષ કરી છે પરંતુ રાજકોટ જીલ્લાના ખેડૂતોમાં રસ નથી.

હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે સરકાર ૫ થી ૭ દિ'માં નિર્ણય નહી લ્યે તો ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ગામડે ગામડે ખેડૂતોને ટેકો-જાગૃતિ, ૪ હજાર ગામોમાં આંદોલન છેડાશે.

સરકારમાં બેઠેલા પ્રધાનો જયેશ રાદડીયા, આર.સી. ફળદુ, પુરૂષોતમ રૂપાલા આ બધા ખેડૂત નેતા છે, પણ આમાંથી એક પણ પ્રધાને એક પણ ગામની મુલાકાત લીધી નથી, ખેડૂતોના આંસુ લૂછયા નથી.

આ અમારૂ ખેડૂતોને સાથે રાખીને શરૂ કરેલુ આંદોલન છે. કોંગ્રેસ-ભાજપ કોઈપણ જોડાઈ શકે છે. યાર્ડોમાં ડીરેકટરોની મુલાકાત લેવાશે. તમામને મળી અવાજ ઉઠાવાશે.

તેમણે મુખ્યમંત્રી ઉપર આક્ષેપો કરતા જણાવેલ કે, બે વર્ષ પહેલા વિજયભાઈએ જેતપુરમાં પાક વિમો ટાઢી સાતમ પહેલા ચૂકવી દેવાશે તેવી જાહેરાત કરેલ પરંતુ આજ સુધી ચૂકવાયો નથી. ગુજરાતને નબળા મુખ્યમંત્રી મળ્યા છે. હવે મહાઆંદોલન-ચળવળ ચલાવાશે. ગામડે-ગામડેનો ખેડૂત રોડ ઉપર આવશે, વિધાનસભા સમક્ષ દેખાવો થશે.

તેમણે જણાવેલ કે એકથી બે વર્ષ પહેલા પાક વિમાના નામે ખેડૂતો પાસેથી ૨૫ હજાર કરોડ ઉઘરાવાયા, પણ ચૂકવાયા માત્ર ૯ હજાર કરોડ, ૧૬ હજાર કરોડની ગાફલેત થયાનો હાર્દિક પટેલે ગંભીર આક્ષેપ કર્યો હતો, હવે ખેડૂતો અમારી સાથે છે. સરકાર ૫ થી ૭ દિ'માં નિર્ણય નહી લ્યે તો ખેડૂતો રોડ ઉપર આવી જશે તેવી ચેતવણી હાર્દિક પટેલે ઉચ્ચારી હતી.

(3:59 pm IST)