રાજકોટ
News of Tuesday, 5th November 2019

બાંગ્લાદેશનો કોન્ફીડન્સ હાઇ લેવલ પરઃ રાજકોટનો મેચ પણ જીતશું: આફીફ હુસેન

આગામી તા.૭મીએ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પુર્વે બાંગ્લાદેશના બોલર આફીફ હુસેને પત્રકાર પરીષદમાં  વિગતો રજુ કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., પઃ આગામી તા.૭ના રોજ ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના  ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાનાર ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચેના ટી-ટવેન્ટી ક્રિકેટ મેચમાં પણ બાંગ્લાદેશ જીત મેળવી અને સીરીઝ કબ્જે કરવા પ્રયાસ કરશે તેવી કટીબધ્ધતા બાંગ્લાદેશના બોલર આફીફ હુસેને વ્યકત કરી હતી.

આજે સવારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમમાં યોજાયેલ પત્રકાર પરીષદને સંબોધતા આફીફ હુસેને જણાવ્યું હતું કે દિલ્હીમાં જીત મેળવ્યા બાદ અમે સીરીઝમાં ૧-૦થી  આગળ છીએ. આથી હાલમાં અમારી ટીમનો કોન્ફીડન્સ હાઇ લેવલ પર છે.

તેઓએ જણાવ્યું હતું કે અમે કોઇ પણ પ્રવાસમાં જઇએ છીએ ત્યારે ત્યાંના વાતાવરણ સાથે અનુકુલ થઇને રમીએ છીએ. દિલ્હીની વિકેટ મુશ્કેલ હતી આમ છતા અમારી ટીમે  સારો દેખાવ કરી પ્રથમ મેચ જીત્યો છે. દિલ્હીની સરખામણીએ રાજકોટની વિકેટ ઘણી સારી છે. અહીં બેટસમેન અને બોલર બંન્ને માટે ભરપુર તક છે. હાલમાં બાંગ્લાદેશની ટીમમાં સારા ખેલાડીઓ છે ત્યારે રાજકોટનો મેચ પણ અમે જીતી અને સીરીઝમાં વધુ આગળ વધશુ તેવો વિશ્વાસ આફીફ હુસેને વ્યકત કર્યો હતો.

(3:58 pm IST)