રાજકોટ
News of Tuesday, 5th November 2019

જ્ઞાતિ અને સમાજનો સર્વાંગી ઉત્કર્ષ, એ જ સાચું લક્ષ્યઃ રાજુભાઇ પોબારૂ

કિરીટભાઇ ગણાત્રા સમગ્ર સમાજના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત છેઃ રાજુભાઇ પોબારૂ :રાજકોટ લોહાણા મહાજનની પ્રવૃતિઓથી જ્ઞાતિજનોમાં હરખ અને સંતોષની લાગણીઃ ડો. નિશાંત ચોટાઇ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ સ્નેહ મિલનમાં હૈયેહૈયું દળાયું: સેંકડો રઘુવંશીઓ ઉમટી પડયાઃ તમામ લોકોએ અંતરના ઉમળકાથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી : સાંગણવા ચોક મહાજન વાડીના ચકચકાટ થઇ ગયેલ નવનિર્મિત એ.સી. હોલ ખાતે જ્ઞાતિ એકતાના અદ્દભુત દર્શન :લોહાણા સમાજની પ૦ ઉપરાંત સંસ્થાના હોદ્ેદારોએ એક જ મંચ પર એકબીજાને મળી જ્ઞાતિ ઉત્કર્ષ માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું : જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાની જ્ઞાતિ સંગઠનની કલ્પનાને સાકાર કરતી 'ટીમ મહાજન'

રાજકોટ તા. ૫ :  એકતા, સંગઠિતતા, પરસ્પર બંધુત્વ, વિવાદ નહીં પણ વિકાસ વિગેરે સંદર્ભે શ્રેષ્ઠ વિચારોનું આદાન-પ્રદાન થાય અને નવા વર્ષ નિમિતે જ્ઞાતિજનોમાં નવી ઉર્જા-શકિતનો સંચાર થાય તેવા હકારાત્મક અભિગમ સાથે રાજકોટ લોહાણા મહાજન દ્વારા સાંગણવા ચોક મહાજનવાડી ખાતેના નવનિર્મિત એ.સી. હોલ ખાતે સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.

સ્નેહ મિલનમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે જ્ઞાતિ અને સમાજનો સર્વાંગી ઉત્કર્ષ કરવો, એ જ રાજકોટ લોહાણા મહાજનનું સાચું લક્ષ્ય છે. તમામ રઘુવંશીઓને લાભ મળે અને સમયને અનુરૂપ ફેસેલિટીઝ સાથે વિવિધ પ્રસંગો થઇ શકે તે માટે રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલ મહાજનવાડીઓનું નવિનિકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મહ્દઅંશે પૂર્ણ પણ થઇ ગયું છે.

સાથે - સાથે શ્રીનાથદ્વારા, દ્વારકા અને હરીદ્વારા ખાતેના અતિથિગૃહોને પણ સમયની માંગને અનુરૂપ જ્ઞાતિજનોના હિતાર્થે પ્રાધાન્ય અપાઇ રહ્યાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. તેઓએ તત્કાલિન મહાજન પ્રમુખ સ્વ. જયંતીભાઇ કુંડલીયાના યોગદાનને પણ અનન્ય ગણાવ્યું હતું. રાજુભાઇ પોબારૂએ અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સમગ્ર સમાજના પથદર્શક અને હકારાત્મક પ્રવૃતિઓના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. પ.પૂ. જલારામબાપાની અસીમ કૃપાથી સમાજહિતનું કોઇપણ કાર્ય કયારેય પણ અટકશે નહીં તેવો વિશ્વાસ અંતમાં મહાજન પ્રમુખે વ્યકત કર્યો હતો.

રાજકોટ લોહાણા મહાજના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાની સાથે-સાથે  જણાવ્યું હતું કે, રાજકોટ લોહાણા મહાજન દ્વારા યુદ્ધના ધોરણે થતા જ્ઞાતિહિતના કાર્યો સમગ્ર સમાજને આભારી છે. હકારાત્મક કાર્યો માટે સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને જ્ઞાતિજનો દ્વારા મળતું પ્રોત્સાહન સમગ્ર ટીમનો કામ કરવાનો ઉત્સાહ વધારે છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના નિઃશુલ્ક કોચીંગ, નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, મહાજન વાડીઓનું નવીનીકરણ, નિઃશુલ્ક પરિચય મેળા, તહેવારોમાં મીઠાઇ-ફરસાણનું વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, ડીજીટલાઇઝેશનના ભાગરૂપે તૈયાર થઇ રહેલી રાજકોટ લોહાણા મહાજનની એન્ડ્રોઇડ એપ્લીકેશન (એપ) અને વેબસાઇટ, વિવિધ અતિથિગૃહોમાં ઓનલાઇન બુકીંગ વિગેરે સંદર્ભે જ્ઞાતિજનોમાં હરખ અને સંતોષની લાગણી પ્રવર્તતી હોવાનું અંતમાં ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થતા પહેલા આભારવિધિ મહાજનના સંયુકત મંત્રી ડો. હિમાંશુભાઇ ઠક્કરે કરી હતી અને કાર્યક્રમનું સંચાલન મહાજનના અન્ય સંયુકત મંત્રી રીટાબેન કોટકે કર્યું હતું.

સ્નેહ મિલનમાં હૈયેહૈયું દળાય એ રીતે સેંકડો રઘુવંશીઓ હોંશભેર ઉમટી પડયા હતા અને સૌએ અંતરના ઉમળકાથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જ્ઞાતિ એકતાના અદ્ભુત દર્શન થયા હતાં. સાંગણવા ચોક મહાજનવાડી ખાતેના પ્રથમ માળ ઉપર આવેલ અને ચકચકાટ થઇ ગયેલ ફંકશન હોલની બદલાયેલ સિકલ જોઇને હાજર રહેલ તમામ જ્ઞાતિજનોએ રાજીપો વ્યકત કર્યો હતો. સ્નેહ મિલનમાં રાજકોટ લોહાણા સમાજની પ૦ ઉપરાંત સંસ્થાના હોદ્દેદારોએ એક જ મ઼ંચ ઉપર એકસાથે એકબીજાને મળી જ્ઞાતિ ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ઼. જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાની જ્ઞાતિ સંગઠનની કલ્પનાને ટીમ મહાજને ખરા અર્થમાં સાર્થક કરી હોવાનો સિનારીયો સ્નેહ મિલનમાં જોવા મળ્યો  હતો.અંતમાં લાઇવ ભજીયા-જલેબીની મજા માણીને મીઠ્ઠી યાદો સાથે સૌ છૂટા પડયા હતાં.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા એજયુકેશન, મેડીકલ, સમાજસેવા, સાંસ્કૃતિક, બિઝનેસ, પ્રોફેશ્નલ વિગેરે ક્ષેત્રે સતત જ્ઞાતિ હિત તથા સમાજ ઉત્કર્ષના કાર્યો થાય તે માટે અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી  કિરીટભાઇ ગણાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ઉપપ્રમુખ યોગેશભાઇ  પૂજારા (પૂજારા ટેલિકોમ), કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, સંયુકત મંત્રીઓ ડો.હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર,  ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, ડો.આશિષભાઇ ગણાત્રા,  એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતની સમગ્ર મહાજન સમિતિ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(3:44 pm IST)