રાજકોટ
News of Tuesday, 5th November 2019

રૂડાની ૪૯૬ ફલેટની આવાસ યોજનાનું વિજયભાઇના હસ્તે ખાતમુહૂર્ત

શનિવારે સાંજે ૪થી ૮ સુધી મુખ્યમંત્રી રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશેઃ ભાજપ સ્નેહ મિલન, મહંત સ્વામી દર્શન સહિતનાં કાર્યક્રમોની કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

રાજકોટ તા. પ :.. આગામી તા. ૯ નાં રોજ શનિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓનાં વિવિધ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ  કલેકટર તંત્ર દ્વારા થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે રૂડા દ્વારા નિર્મીત થનાર ૪૯૬ ફલેટની આવાસ યોજનાના ખાતમુહૂર્ત સહિતની વિવિધ યોજનાઓનાં કાર્યક્રમો યોજાનાર છે.

આ અંગે કલેકટરશ્રીએ સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ રૂડા દ્વારા મુંજકા ખાતે ટી. પી. ૧૭ માં ફાઇનલ પ્લોટ નં. ૮૯ માં પ૩.ર૦ કરોડના ખર્ચે ૭ માળનાં કુલ ૪૯૬, ૧ બીએચકે ફલેટનું નિર્માણ થશે ૪૦ ચો. મી.નાં આ ફલેટની કી. ૧૧ લાખની થશે.

આ આવાસ યોજનામાં રોડ, લાઇટ, ગટર, પાણી, લીફટ સહિતની સુવિધાઓ અપાશે. આ યોજનાનું ખાતુમૂહૂર્ત તેમજ આમ્રપાલી ફાટકે અંડર બ્રીજ અને હોસ્પીટલ ચોકે ઓવર બ્રીજ વગેરે યોજનાનું ખાતમુહૂર્ત બાલભવન ખાતે યોજાનાર મુખ્ય ડાયસ ફંકશનમાં મુખ્યમંત્રીના હસ્તે સાંજે પ થી ૬ દરમિયાન યોજાશે.

જયારે ૪ થી પ દરમિયાન મુખ્યમંત્રીશ્રી અટલ સરોવરની મુલાકાત લેશે.

ત્યારબાદ સાંજે ૬.૩૦ વાગ્યે મહંત સ્વામી દર્શન અને ભાજપ સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીશ્રી હાજરી આપશે.

(3:42 pm IST)