રાજકોટ
News of Tuesday, 5th November 2019

નેક પાસે નાક રાખવા યુનિવર્સિટીને ફાઈવસ્ટાર ટચ

સંશોધન, શૈક્ષણિક સિદ્ધિ, છાત્ર કલ્યાણ, સુવિધાનો કંગાળ દેખાવ હોય હવે :તમામ શૈક્ષણિક ભવનોને રંગરૂપ.. જૂનો ભંગાર કાઢી નવી સાધન સામગ્રી પણ ખરીદશે : કરોડોનું આંધણ : સવા લાખથી સવા બે લાખનો પગાર ધરાવતા પ્રોફેસરોને ૧૫ હજારના સૂટની લ્હાણી થશે

રાજકોટ, તા. ૫ : સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની શૈક્ષણિક સદ્ધરતાથી અગાઉ જાણીતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિક્ષણકારોને બદલે રાજકારણીઓના હાથમાં સુકાન આવતા અનેક છબરડા, કૌભાંડોની હારમાળા સર્જાઈ છે ત્યારે આગામી ચાર માસમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેક કમીટી દ્વારા યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવા આવી રહી છે.

નેક કમીટી સમક્ષ સંશોધનો, પબ્લીકેશન, શૈક્ષણિક સિદ્ધિ અને વિદ્યાર્થી કલ્યાણ તેમજ વિદેશમાં યુનિવર્સિટીનંુ પ્રદાન ઉપરાંત યુનિવર્સિટીની સુવિધા, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની સંખ્યા સહિતના માપદંડો હોય છે. કમનસીબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો એ+ ગ્રેડ મેળવવા ખોખારો ખાઈ શકતા નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા આવનાર નેક કમીટી હાલ તો નાક વાઢી જાય તેવી સ્થિતિ  જાણકારો જણાવી રહ્યા છે.

નેક કમીટી સમક્ષ શૈક્ષણિક સિદ્ધિ કે સુવિધા દર્શાવવાને બદલે રૂડુ રૂપાળુ દર્શાવવા હવે યુનિવર્સિટીના કુલપતિ, કુલનાયક સહિતના સત્તામંડળોએ નવો પ્લાન અખત્યાર કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો ઉપરાંત મુખ્ય બિલ્ડીંગને ભવ્ય શૈક્ષણિક વારસાને બદલે ફાઈવ સ્ટાર હોટલ જેવો ટચ આપી ચમકાવવા કરોડો રૂપિયા વાપરનાર હોવાનું જાણવા મળે છે.

તમામ શૈક્ષણિક ભવનોમાં અંદર બહાર રંગરોગાન અને પરિસરમાં ખૂબ બ્યુટીફેકશન કરવામાં આવશે. ભવનોમાં અને મુખ્ય બિલ્ડીંગોમાં રહેલો જૂનો સામાન ભંગારમાં કાઢી નવો સામાન વસાવવામાં આવશે. નેક કમીટી જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવે ત્યારે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ ઝગમગતુ લાગે તેવો ઘાટ ઘડાવવાની તૈયારી શરૂ થઈ છે. યુનિવર્સિટીમાં નવા બનેલા રસ્તાઓ કે જે થોડાક વર્ષોમાં બિસ્માર બન્યા છે તેઓને નવા થીગડા કે નવો જ બનાવવામાં આવશે.

ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સવા એક લાખથી સવા બે લાખ સુધીનો પગાર મેળવતા કેટલાક પ્રોફેસરોને નેક કમીટી આવે ત્યારે એટીકેટ લાગે તે માટે ૧૫ હજારથી વધુ કિંમતના શૂટની લ્હાણી થનાર હોવાનું જાણવા મળે છે.

વિદ્યાર્થી ઉત્કર્ષ અને સુવિધા પ્રોત્સાહન આપવામાં નબળી પુરવાર થતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક કમીટી સમક્ષ બાહ્ય દેખાવ કરવામાં કોઈ કસર છોડવા માગતી નથી. અંદાજે બે થી અઢી કરોડનો ખર્ચ કરવામાં આવનાર હોવાની ચર્ચા ચાલે છે.

(3:39 pm IST)