રાજકોટ
News of Tuesday, 5th November 2019

નવાગામમાં તળાવમાં ન્હાવા પડતા ચાર છોકરીઓ ડૂબી, ત્રણનો બચાવઃ ૧૫ વર્ષની અંજલીનું મોત

મુળ બિહારની બાળાના મોતથી પરિવારમાં શોકઃ તેની બહેનપણીઓ સુષ્મા, શિવાની અને શૈલાને લોકોએ બચાવી લીધી

રાજકોટ તા. ૪: નવાગામ રંગીલા સોસાયટીમાં આવેલા સિંચાઇના તળાવમાં ન્હાવા પડેલી ચાર બહેનપણીઓ ડૂબવા માંડતા ત્યાં હાજર લોકોએ ત્રણ બાળાને બચાવી લીધી હતી. જ્યારે એકનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ નવાગામ સ્લમ કવાર્ટરમાં રહેતી અંજલી લાલબાબુ સોની (બિહારી) (ઉ.૧૫) સવારે પડોશમાં રહેતી બહેનપણીઓ સુષ્મા (ઉ.૧૪), શિવાની (ઉ.૧૩) તથા શૈલા (ઉ.૭) સાથે રંગીલા સોસાયટીના સિંચાઇ તળાવમાં ન્હાવા માટે ગઇ હતી. અહિ દરરોજ લોકો મોટી સંખ્યામાં ન્હાવા તથા કપડા ધોવા માટે આવે છે. ચારેય બાળાઓ ન્હાવા પડી ત્યારે અચાનક ડૂબવા માંડતા બચાવો-બચાવોની બુમો સાંભળતા ત્યાં હાજર લોકો બચાવવા માટે દોડી ગયા હતાં અને ચારેયને બહાર કાઢી લીધી હતી.

પરંતુ અંજલી સોની વધુ પાણી પી ગઇ હોઇ તે ભાનમાં ન આવતાં તેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેને તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

અંજલીના પિતા માટીના કુંડા અને માટલા વેંચે છે. તેણી બે બહેન અને ત્રણ ભાઇમાં નાની હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:27 pm IST)