રાજકોટ
News of Tuesday, 5th November 2019

મહિકાના પાટીયે કારની ઠોકરે બાઇક ચડી જતાં ગાયત્રી પાર્કનું પટેલ દંપતિ ખંડિતઃ પત્નિનું મોત

મોટા ભાઇના ઘરે રાંદલ માતાના લોટા પ્રસંગમાં હાજરી આપવા જસદણ જતી વખતે અકસ્માત : જશુબેન ભુવા (ઉ.૪૭)એ દમ તોડ્યોઃ પતિ જયંતિભાઇ ભુવા (ઉ.૫૩) સારવારમાં: પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા નજીક વિઠ્ઠલવાવ પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક સ્વાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતાં લેઉવા પટેલ પતિ-પત્નિ ફંગોળાઇ જતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્નિએ દમ તોડી દેતાં દંપતિ ખંડિત થયું હતું. મોટા ભાઇના ઘરે જસદણ રાંદલ માતાજીના લોટા પ્રસંગમાં બંને હાજરી આપવા જઇ રહ્યા હતાં અને રસ્તામાં આ બનાવ બનતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગાયત્રી પાર્ક-૨માં રહેતાં જયંતિભાઇ પોપટભાઇ ભુવા (ઉ.વ.૫૭)ના જસદણ રહેતાં મોટાભાઇ ભોળાભાઇ ભુવાને ત્યાં આજે રાંદલ માતાજીના લોટાનો પ્રસંગ હોઇ તેઓ ત્યાં હાજરી આપવા માટે પોતાના ધર્મપત્નિ જશુબેન (ઉ.વ.૪૭)ને બાઇકમાં બેસાડી સવારે ઘરેથી જસદણ જવા નીકળ્યા હતાં.

બંને ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ઝેસ્ટ કાર નં. જીજે૦૩બીડબલ્યુ-૭૪૪૪ની ઠોકર બાઇકને લાગતાં બંને પતિ-પત્નિ રોડ પર ફેંકાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ જશુબેનને તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં અને જયંતિભાઇને સારવાર માટે દાખલ કર્યા હતાં. બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે અને પતિ જયંતિભાઇ ઇમિટેશનનું કામ કરે છે.

(3:25 pm IST)